સુરતના માનદરવાજા પદમાનગર પાસે શાકભાજીની લારી ચલાવતા યુવક પર બે દિવસ અગાઉ બે સ્થાનિક યુવકોએ સામાન્ય ઝઘડામાં તલવારથી હુમલો કરતા યુવકની હાથની આંગળી કપાઈ ગઈ હતી અને યુવકના માસીયાઈ ભાઈએ તેને બચાવવા પ્રયાસ કરતા બંનેએ તેના પેટ પર પણ તલવાર અડાડી વચ્ચે નહીં પડવા ધમકી આપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના માનદરવાજા પદમાનગર ગલી નંબર-17 ઘર નંબર-930માં રહેતા સોયેબ ઇમરાનખાન પઠાણ (ઉ.વ.20) માનદરવાજા ખાતે શાકભાજીની લારી લઈ ઉભો રહે છે. તે સમયે ગત તા.11મી સપ્ટેમબરના રોજ 11.45 કલાકે તે તેના માસીયાઈ ભાઈ રઈશ શેખ અને આસીફ શેખ સાથે માનદરવાજા ખાડી પાસે નવા રોડ પર ઉભો હતો. ત્યારે તેના મહોલ્લામાં રહેતા ભૂષણ અને ગુડિયા સોનવણે તેમની પાસે આવ્યા હતા. ગુડિયાએ સોયેબને તું મેરે છોટે કો મારેગા? તેમ કહી ગાળો આપતા તેમની વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ત્યારે ભૂષણ સોયેબને જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યો ગયો હતો. અડધો કલાક બાદ ભૂષણ અને ગુડિયા સોનવણે ત્યાં તલવાર લઈ આવ્યા હતા અને ભૂષણે તલવારથી સોયેબ પર હુમલો કરતા તેને બચવા જમણો હાથ આડો કર્યો તો તેના જમણા હાથની છેલ્લી આંગળી કપાઇ ગઈ હતી.
તે વખતે રઈશ શેખ સોયેબને બચાવવા વચ્ચે પડતા તેને પણ ગુડીયા સોનવણેએ તલવાર અડાડી પેટના જમણી તરફ ઘસરકો પહોંચાડી સામાન્ય ઇજા કરી હતી અને અમારા બંને વચ્ચે નહી પડતો તેવી ધમકી આપી બંને ભાગી ગયા હતા. સોયેબને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આંગળીની સર્જરી બાદ ગતરોજ સોયેબે ભૂષણ અને ગુડિયા સોનવણે વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500