સુરત જીલ્લાનાં ઓલપાડ તાલુકાનાં જીણોદ ગામે સરપંચ ફળિયામાં રહેતી પરિણીતા સાથે પતિ અને સાસુ નાની-નાની બાબતોને લઈ બોલા ચાલી કરી ઝગડો કરતાં હતા અને ધાક ધમકી આપી દહેજની માંગણી કરી મારઝૂડ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાથી પરિણીતાએ પાંચ મહિના અગાઉ ઝેરી દવા પણ પી લીધી હતી. સારવાર બાદ પરિણીતાને તેના પતિએ પિયર મોકલી આપ્યા બાદ ફરી લેવા ન જતાં પરિણીતા એ ફોન કરતાં ધાક ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરતાં પરિણીતા એ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડ તાલુકાનાં મંદરોઈ ગામે પારસી ફળિયામાં રહેતા રામજીભાઇ ગંગુભાઈ પટેલની 21 વર્ષીય દીકરી ભૂમિકાના લગ્ન જીણોદ ગામે સરપંચ ફળિયામાં રહેતા વિશાલ હિતેન્દ્ર પટેલ સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદ પતિ વિશાલ અને સાસુ રેખાબેન નાઓ ભૂમિકા સાથે નાની નાની બાબતોને લઈ લડાઈ ઝગડો કરતાં હતા. લગ્નના થોડા સમય બાદ કોરોનાને લીધે લોકડાઉન થતાં વિશાલે જણાવ્યુ હતું કે, તારા પિતાજીના ઘરેથી પૈસા લઈ આવ નહીં તો હું તને છૂટાછેડા આપી દઇશ એમ કહેતો હતો અને મારુ બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે એમ પણ બોલતો હતો.
વિશાલ અને રેખાબેન અવાર-નવાર પૈસાની માંગણી કરી જણાવતા હતા કે, તું તારા પિતાના ઘરેથી કરીયાવર અને સોના ચાંદી ઓછું લઈને આવી છે, તું હવે પૈસા લઈ આવ તેમ જણાવી લડાઈ ઝગડો કરી માનસિક ત્રાસ આપતા હોવાથી ભૂમિકાએ ઓગસ્ટ માસમાં ઝેરી દવા પણ પી લીધી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ વિશાલે તેના પિતરાઇ ભાઈ સાથે ભૂમિકાને તેના પિતાને ઘરે રહેવા મોકલી આપી હતી. ત્યારબાદ તે તેડવા ન જતાં ભૂમિકાએ તેને ફોન કરતાં વિશાલ ધાક ધમકી આપી જણાવતો હતો કે તારે આવવું હોય તો 2 લાખ રૂપિયા લઈને આવજે નહીં તો તારા બાપના ઘરે પડી રહેજે તેમ જણાવી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા આખરે ભૂમિકાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500