સુરતના બારડોલી નગરપાલિકાના આરોગ્ય સાથે જોડાયેલ કર્મચારીઓએ લડત શરૂ કરી હતી. બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં 100થી વધુ ટ્રેક્ટર અને ટેમ્પા કચરા કલેક્શનનું કામ કરે છે. તેમના ડ્રાઈવરો છેલ્લા એક મહિનાથી નગરપાલિકામાં જઈ પોતાના ડેઇલી ભઠ્ઠાના વધારાની માંગ કરી રહયા હતા. જોકે, આ બાબતે યોગ્ય જવાબ નહીં મળતા ગતરોજ તમામ ડ્રાઈવરો એકીસાથે હડતાળ ઉપર ઉતરી જઈ નગરમાંથી કચરો ઊંચકવાનું બંધ કરી દીધું હતું. તમામ ડ્રાઈવરોએ બારડોલી રંગઉપવન ખાતે ભેગા થયા હતા. ડ્રાઈવરો રૂપિયા 412 રોજની માંગણી કરી રહ્યા હતા.
ત્યારબાદ નગરપાલિક ખાતે ડ્રાઈવરોના કેટલાક આગેવાનો પહોંચ્યા હતા અને ત્યાં અધિકારી તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી પરત ફર્યા હતા અને ત્યારબાદ આજરોજ પણ આ કર્મચારીઓ કામ પર ગયા ન હતા અને તેઓ ફરી રંગઉપવન ખાતે ભેગા થયાં હતાં. જેથી પાલિકાના ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયા ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કર્મચારીઓ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. જોકે વાતચીત દરમિયાન હકારાત્મક ઉકેલની ચીફ ઓફિસર દ્વારા ખાતરી આપવામાં આવતા ટેમ્પા અને ટ્રેક્ટરના ચાલકોએ હડતાળ સમેટી લઈ બપોરના 1 વાગ્યા બાદ ફરી કચરા કલેક્શનની કામગીરી શરૂ કરી છે.
પાલિકા હદ વિસ્તારમાં કચરાનું કલેક્શન કરતાં કર્મચારીઓ ગતરોજ ડેઇલી ભઠ્ઠાના વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા અને આજરોજ પણ કામે ન લાગતાં બારડોલી શાકભાજી માર્કેટમાં ઠેર-ઠેર કચરાના ઢગ જોવા મળ્યા હતા. પરંતુ આ કર્મચારીઓ બપોર બાદ આ કચરાના કલેક્શનની કામગીરી શરૂ કરી દીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500