સુરતના વેડ રોડ પંડોળ વચલી લાઈન ધર્મનંદન કારખાનાની સામે આવેલા હીરાના કારખાનામાં બે કારીગરો ઝઘડો કરતા હોવાથી મેનેજર વચ્ચે પડી બંને જણાનું સમાધાન કરાવ્યું હતું. ત્યારે કારીગરના ત્રણ મિત્રોએ તેનું ઉપરાણું લઈને મેનેજરને તેની ઓફિસમાં ઘુસી મારમાર્યો હતો તેમજ સાંજે ફોન કરી સમાધાન કરવાને બહાને વેડરોડ પ્રાણનાથ હોસ્પિટલની પાછળ આવેલી ઓફિસમાં બોલાવી એક કલાક ગોંધી લાકડાના ફટકાથી મેનેજર અને તેના ભત્રીજાને ઢોર મારમાર્યો હતો.
ચોકબજાર પોલીસના જણાવ્યા મુજબ, છાપરાભાઠા સિલ્વર ટેરસ બિલ્ડિંગમાં રહેતા દિનેશભાઈ નંદલાલ પટેલ (ઉ.વ.૩૮) પંડોળ વચલી લાઈન ધર્મનંદન કારખાનાની સામે આવેલી હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરે છે. દિનેશભાઈએ ૫ દિવસ પહેલા તેના કારખાનામાં કામ કરતા કારીગર હિતેશ ચાવડા અને દેવેન્દ્ર વચ્ચે ઝઘડો થયો હતો. તે વખતે દિનેશભાઈ વચ્ચે પડી બંને જણા વચ્ચે સમાધાન કરાવ્યું હતું. દરમિયાન આ અંગે હિતેશ ચાવડાએ તેના મિત્ર વિપુલ બાલા કટારીયા (રહે.સમર્પણ એપાર્ટમેન્ટ, કુબેરપાર્ક, કતારગામ), મુકેશ બોધા વાઘેલા (રહે.નવનાથનો ખાડો સિંગણપોર) અને ભરત ઉર્ફે ભુપી કંતારીયાને વાત કરતા ત્રણેય જણાએ તેનું ઉપરાણું લઈને ગતરોજ બપોરે અઢી વાગ્યાના અરશામાં દિનેશભાઈની ઓફિસમાં ઘુસી ગયા હતા અને ગાળાગાળી કરી ઢીકમુક્કીનો મારમાર્યો હતો.
ત્યારબાદ સાંજે ફોન કરી સમાધાન કરવા માટે પ્રાણનાથ હોસ્પિટલની પાછળ આવેલ તેમની ઓફિસમાં બોલાવ્યો હતો જેથી દિનેશભાઈ તેની સાથે તેના ભત્રીજા વિશાલને પણ લઈ ગયા હતા ત્યાં ફરી ત્રણેય જણાએ એક કલાક સુધી ઓફિસમાં ગોંધી રાખી લાકડાના દંડાથી મારમાર્યો હતો. બનાવ અંગે પોલીસે દિનેશભાઈ પટેલની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500