સુરત શહેરના અડાજણ જીલાની બ્રિજ પર રોંગ સાઇડ બાઇક હંકારી આગળનું વ્હીલ ઉંચું કરી સ્ટંટ કરનારનો વિડીયો વાઇરલ થવાની ઘટનામાં રાંદેર પોલીસે સ્ટંટબાજ બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અડાજણ વેડ દરવાજાને જોડતા જીલાની બ્રિજ પર એક બાઇક ચાલક દ્વારા રોંગ સાઇડ બાઇક હંકારીને યુ ટર્ન લીધા બાદ બાઇકને સ્પીડમાં હંકાર્યા બાદ આગળનું વ્હીલ ઉંચું કરી સ્ટંટ કરતો હતો. સોશ્યિલ મિડીયામાં વાઇરલ થયેલા આ વિડીયો જોઇ કેટલાક લોકોએ તેના સ્ટંટ માટે વાહવાહી કરી હતી. પરંતુ તેના આ પ્રકારના સ્ટંટથી માત્ર પોતાનો જ નહીં પરંતુ અન્યના જીવને પણ જોખમમાં મુકયા હતા. જેને પગલે લોકોએ ભારે ટીકા કરી આવા સ્ટંટબાજ વિરૂધ્ધ આકરા પગલા લેવાની કમેન્ટ કરી હતી.
જયારે બીજી તરફ આ વિડીયો શહેર પોલીસની ટ્રાફિક શાખાના અધિકારીઓ સુધી પણ પહોંચ્યો હતો અને ટ્રાફિક રિજીયન દ્વારા પોતાનો અને લોકોનો જીવ જોખમમાં મુકી સ્ટંટ કરનાર બાઇક નંબર જીજે/5/કેક્યુ/4644ના ચાલક વિરૂધ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી નોંધાવતા રાંદેર પોલીસે બાઇક નંબરના આધારે તપાસ હાથ ધરી 30 વર્ષીય સમશાદખાન અલીહુસૈન પઠાણ (રહે.મગદુમ નગર ઝુંપડપટ્ટી, આંજણા ફાર્મ) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500