સરકાર દ્વારા રાજ્યમાં ધોરણ-૯ થી ૧૨ના ઓફલાઇન વર્ગો શરુ કરવામાં આવ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનનું ઘન પાલન સાથે વર્ગો શરુ કરાયા હતા. જોકે આ વર્ગો શરુ થયા બાદ પણ વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસોમાં કોઇ વધારો થયો ન હતો. જેના કારણે હવે સરકારે આજથી ધોરણ-૬ થી ૮ના વર્ગો શરુ કરતા સુરત સહીત જિલ્લાની ૨૦૦૦થી વધુ શાળાઓ આજથી ધમધમતી થઇ છે. જોકે શાળાઓમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ સંચાલકો અને આચાર્યોને આદેશ આપવામાં આવ્યો છે.
કોરોનાની મહામારીનાં કારણે દોઢ વર્ષથી વાસ્તવિક શિક્ષણથી દૂર રહેલાં ૬ થી ૮ ધોરણનાં વિદ્યાર્થીઓ માટે આજથી શાળાઓ શરૂ કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લાની કુલ ૧૭૫૦ જેટલી શાળાઅોમાં અભ્યાસ કરી રહેલા અંદાજે ૩.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન સાથે શિક્ષકો વાસ્તવિક શિક્ષણ આપવાની શરૂઆત કરશે. ગયા માર્ચ મહિનામાં ૨૦૨૦માં કોરોના વાયરસનાં સંક્રમણનાં ભયનાં કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપી ગાડું ગબડાવવામાં આવી રહ્યા હતું. જોકે કોરોનાનો પ્રકોપ ઘટતા છેલ્લા બે મહિનાથી ધોરણ ૯ થી ૧૨નાં વર્ગ ઓફલાઇન ચલાવવામાં આવી રહ્યા છે. જયારે હવે આજથી ધોરણ-૬ થી ૮નાં વર્ગ પણ શરૂ કરવામાં આવ્યા છે.
આ મામલે વધુમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, શહેરની ૯૫૦, સુરત જિલ્લાની ૪૫૦ તેમજ શિક્ષણ સમિતિની ૩૫૦ મળી કુલ ૧૭૫૦ જેટલી શાળાનાં આચાર્ય અને સંચાલકોને કોરોનાની ગાઇડલાઇન અંગેની સમજણ આપવામાં આવી છે. શાળામાં આવનાર વિદ્યાર્થીઓ માસ્ક, સેનિટાઇઝરનું ચુસ્ત પાલન કરે તેની તકેદારી રાખવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોઇ વિદ્યાર્થીનું સ્વાસ્થય યોગ્ય નહીં હોય તો શાળાઍ નહીં આવે તેની કાળજી રાખવાની જવાબદારી પણ શાળાનાં આચાર્ય અને સંચાલકોની રહેશે, આ ઉપરાંત વિદ્યાર્થીનાં વાલીઓની પણ પરવાનગી મેળવવાની રહેશે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500