સુરતનાં પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ખાતે રહેતી પરિણીતાએ ઘરમાં પંખો લગાવવાની હુક સાથે ચેઇન વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે પરિણીતાની માતાએ જમાઈને તેની પુત્રીની બીમારીની સારવાર બાબતે જણાવ્યું હતું. જે મામલે પતિ-પત્ની વચ્ચે ફોન પર બોલાચાલી બાદ પરિણીતાને માઠું લાગી આવતા તેણીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 8 મહિના પહેલા પિન્કીકુમારીનાં લગ્ન ભગવાન રામપ્રકાશ શાહ (રહે.તાંતીથૈયા, નીલકંઠ રેસીડન્સિ, રૂમ નં.246, પલસાણા) નાઓ સાથે થયા હતા.
જોકે પિન્કીને કોઈ બીમારી હોઈ જે બીમારીની સારવાર પણ ચાલુ હતી. દરમિયાન પિન્કીકુમારીએ પોતાની માતાને ફરિયાદ કરી હતી કે તેઓના પતિ ભગવાન શાહ બીમારીની બરાબર સારવાર કરાવતો નથી અને મને ખુબ તકલીફ પણ આપે છે. જે હકીકત જાણી સાસુએ જમાઈ ભગવાન શાહને ફોન કરી આ મામલે ચર્ચા કરી હતી.
ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે ફોન પર ઝગડો થયો હતો. જે બાબતનું માઠું લાગી આવતા 23 વર્ષીય પરણિતા પિન્કીકુમારીએ તેઓના રૂમના રસોડામાં પંખો લગાવવાના હુક વડે ચેઇન બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ કડોદરા GIDC પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મરનાર પરિણીતાનાં લગ્ન ભગવાન શાહ સાથે 8 મહિના પહેલા થયા હોવાથી પોલીસ દ્વારા પેનલ પી.એમ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500