પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવકે વેસ્ટ બંગાલની મુસ્લીમ યુવતી સાથે લવ મેરેજ કર્યા બાદ તેનું નામ હિન્દુ રાખ્યુ હતુ અને નવા નામ અને સરનામાનો નવો આધાર કાર્ડ બનાવ્યો હતો. આધાર કાર્ડ બનાવવા માટે યુવતીના પતિ સહિત ત્રણ જણાએ બોગસ દસ્તાવેજ બનાવી અડાજણ ગેલેક્ષી સર્કલ ખાતે આવેલા આધાર સેવા કેન્દ્ર સેન્ટરમાં ખરા તરીકે રજુ કરી યુવતીના જુના આધાર કાર્ડ નંબરમાં જ નવુ નામ અને સરનામુ રેન્જ કરી નવો આધાર કાર્ડ બનાવ્યો હતો એટલે એક જ નંબરના આધાર કાર્ડ ઉપર યુવતીના બે અલગ-અલગ નામના આધાર કાર્ડ હોવાનું બહાર આવતા પોલીસે તપાસ કરી ગતરોજ ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
અડાજણ પોલીસના જણાવ્યા મુજબ, પી.એસ.આઈ.એ ગતરોજ અજય દયાશંકર મિશ્રા (રહે.કર્મયોગી સોસાયટી, પાંડેસરા), પકંજકુમાર માતાપ્રસાદ મોર્યા (રહે.હરસિધ્ધી નગર કૌલાશન ચોકડી, પાંડેસરા) અને સંતોષ રાજપત મોર્યા (રહે.રામેશ્વરનગર,તેરેનામ ચોકડી, પાંડેસરા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પી.એસ.આઈ.એ જણાવ્યું હતું કે, આરોપીઓએ તબ્બસુમ ખાતુન એમડી ઈસ્માઈલ (રહે.મોમીનપરા જગતદાલ, નોર્થ પગનાશ જગતદાલ, વેસ્ટબંગાલ)ના આધારકાર્ડમાં તેનું નામ રાની અજય ગોડ અને સરનામુ પાંડસરા કર્મયોગી સોસાયટીનું રેન્જ કરાવ્યું હતુ. આરોપીઓએ ખોટા દસ્તાવેજ બનાવી તેના આધારે અડાજણ ગેલેક્ષી સર્કલ પાસે ગેલેક્ષી એન્કલવમાં આવેલ સરકાર માન્ય આધાર કાર્ડ કેન્દ્રમાં રજુ કરી રાની અજય ગૌડના નામે નવો આધાર કાર્ડ બનાવ્યો હતો એટલે કે એક જ યુવતીના એક જ નંબરના બે અલગ-અલગ આધાર કાર્ડ બન્યા છે જેમાં એક આધાર કાર્ડ તબ્બસુમ ખાતુનના નામે અને બીજા નવો રાની અજય ગૌડના નામે બન્યો છે.
વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આરોપી અજય ગૌડે તબ્બસુમ ખાતુન સાથે લવ મેરેજ કર્યા હતા, જેથી તેનું નામ રાની રાખ્યુ હતુ અને રાની ગૌડના નામે નવો આધાર કાર્ડ બનાવ્યો હતો. આધાર કાર્ડ બનાવી આપવાના બદલામાં અજય ગૌડ પાસેથી અન્ય આરોપી પંકજકુમાર અને સંતોષે રૂપિયા ૧૧૦૦ લીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500