સુરતનાં ઓલપાડ તાલુકાના ઓરમા ગામે રોડ બાજુની ગટરમાં રિક્ષા પલ્ટી મારતાં રિક્ષામાં સવારી કરી રહેલા મિત્ર રિક્ષા સાથે ગટરના પાણીમાં દબાતાં ગંભીર ઈજાગ્રસ્ત મિત્રનું ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ સાગબારાનો વતની દીપક ધરમસિંગ વસાવા હાલ માંગરોળના ભાટકોલ ગામે રહી મજૂરી કામ કરે છે. દીપક ભાટકોલ ગામે રહેતા તેના મિત્ર ભીખા નટવર રાઠોડ સાથે ઘાસ કાપ્યા બાદ રિક્ષા નંબર GJ/19/WB/4188માં ઘાસચારો ભરી નાંખવા માટે ઓલપાડના વેલુક ગામે ગયો હતો.
તે વખતે રિક્ષા ભીખાભાઇ હંકારી રહ્યો હતો અને બે મિત્ર દીપક તથા કમલેશ રિક્ષાની પાછળની સીટ ઉપર બેઠા હતા. ત્રણેય રાત્રે ઘાસચારો નાંખી રિક્ષા લઈ ઘરે આવી રહ્યા હતા. ત્યારે ઓરમા રોડ ઉપર નવી આમેના મંઝીલની બાજુની જૂની મસ્જિદની સામે અચાનક દીપકને ખેંચ આવી હતી. જેથી રિક્ષા ચાલક ભીખાભાઇએ પાછળ ફરીને જોતાં તેણે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતાં રિક્ષા રોડની બાજુની ગટરમાં પલટી ખાઈ જતાં દીપક રિક્ષાની નીચે પાણીમાં દબાઈ ગયો હતો.
આ અકસ્માતમાં ઘાયલ દીપકને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બાબતે મૃતકની પત્ની જેની વસાવાએ રિક્ષાચાલક ભીખા નટવર રાઠોડ સામે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500