સુરતના ગોડાદરા વિસ્તારમાં સાંજે મજાક મસ્તીમાં થયેલા ઝઘડામાં છોડાવવા ગયેલા યુવાનને અન્ય યુવાને પેટમાં ચપ્પુ મારતા ગંભીર ઇજા થઈ હતી. ગોડાદરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી યુવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં પરવત ગામ ચંદ્રલોક સોસાયટી પ્લોટ નં.230માં રહેતો તેમજ કુંભારીયા નેચરવેલી પાસે મોચીકામ કરતો 25 વર્ષીય રવિ રતન પઠ્ઠે બપોરે જમીને ગોડાદરા મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મિત્ર કરણ ગિરધારીભાઈ જોરે સાથે લીંબાયત વિસ્તારમાં ફરવા ગયો હતો. ફરીને તેઓ સાંજે પાંચ વાગ્યે મહારાણા પ્રતાપ સોસાયટીમાં પહોંચ્યા ત્યારે રાધાકૃષ્ણ મંદિર પાસે કરણની બાજુમાં રહેતો મિત્ર આકાશ શેરારે તેની સોસાયટીમાં જ રહેતા ગોકુળ બાબુલાલ બસીરે સાથે બેસેલો હતો. ચારેય ત્યાં બેસી વાત કરતા હતા ત્યારે 6.30 વાગ્યે રવિએ આકાશ સાથે મજાક મશ્કરી કરી હતી.
ગોકુલે રવિને આકાશ સાથે મજાક મશ્કરી કરવા ના પાડતા રવિએ તેને કહ્યું હતું કે, આકાશ મારો સાળો લાગે છે, હુ તેની સાથે જે કરુ તે, તારે શુ? આથી ગોકુળ ઉશ્કેરાઇ ગયો હતો અને રવિનો કોલર પકડતા તેમને છોડાવવા કરણ વચ્ચે પડયો હતો. ત્યારે ગોકુળે ચપ્પુ કાઢી કરણને ડાબી બાજુ પેટના ભાગે મારતા તે ફસડાઈ પડયો હતો.
ગોકુળ હુમલો કરી ફરાર થઈ ગયો હતો. કરણને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ બનાવની જાણ થતા દોડી ગયેલી ગોડાદરા પોલીસે રવિની ફરિયાદના આધારે ગોકુળ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500