સુરત શહેરનાં ખટોદરા સોમા કાનજીની વાડીમાં આવેલા સિલાઇના કારખાનામાં રાત્રે ત્રાટકેલા તસ્કરો ટેમ્પોમાં લહેંગાના 11 પોટલા કિંમત રૂા. 1.80 લાખની ચોરી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોવાથી પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી હતી.
રૂસ્તમપુરા-મોમનાવાડ સ્થિત મસ્જિદની સામે રહેતા શશાંક પ્રમોદચંદ ભરતવાલા (ઉ.વ. 43) અને તેનો સાળો અજય વિજયસીંગ ઠાકોર ખટોદરા સ્થિત સોમા કાનજીની વાડી પ્લોટ નંબર-3ના બ્લોક નંબર-2માં સિલાઇનું કારખાનું ચલાવે છે. રાત્રે ત્રાટકેલા તસ્કરો કારખાનાના મેઇન દરવાજાનું તાળું લોખંડ વડે તોડી અંદર પ્રવેશી સિલાઇ જોબ વર્કના 300 લહેંગાના 11 પોટલા જેની કિંમત રૂપિયા 1.80 લાખની ચોરી કરી ભાગી ગયા હતા.
આ બનાવ અંગે સવારે પાણી સપ્લાયરે શશાંકને જાણ કરતા તેઓ તુરંત જ કારખાને દોડી આવ્યા હતા. શશાંકે કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં ચાર ચોર ટેમ્પો લઇને આવ્યા હતા અને ચાર પૈકી એક ચોર દસ દિવસ અગાઉ કારખાનામાં કચરો લેવા આવ્યો હતો તે હોવાનું નજરે પડયું હતું. આ ઘટના અંગે શશાંકે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500