ઓલપાડના મોરથાણ ગામે રહેતા વિદ્યાર્થી સહિત બે યુવક પાસેથી મહિલા સહિતની ટોળકીએ સુરત મહાનગરપાલિકામાં કલાર્કમાં નોકરી અપાવાને બહાને રૂપિયા ૯.૭૦ લાખ પડાવી લીધા હતા, ટોળકીએ નોકરી ઈચ્છુક યુવકોને વિશ્વાસમાં લેવા માટે પાલિકાનો ડ્રેસ પહેરીને રાણીતળાવ માછલીપીઠ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં તેમના ઈન્ટરવ્યુ પણ લઈ પાલિકા કમિશનરની સહી સિક્કા સાથેનો કોલ લેટર પણ આપ્યો હતો. પોલીસે ઠગાઈનો ભોગ બનેલા યુવકની ફરિયાદ લઈ ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
બનાવની લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઓલપાડના મોરથાણ ગામ નીશાળ ફળિયુ કપીલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રહેતા અને એમસીએનો અભ્યાસ કરતા ૨૪ વર્ષીય આકીબ શબ્બીરઅહેમદ મન્સુરે ગતરોજ રૂબિનાબાનુ ગફાર મુલતાની (રહે.ગુલશન પાર્ક એપાર્ટમેન્ટ ધાસ્તીપુરા વરીયાળી બજાર), જેનુલ આબેદીન અન્સારી (રહે.હોડીબગલા) તેમજ પાલિકાનો ડ્રેસ પહેરીને આવેલા બે સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આકીબે જણાવ્યું હતું કે, આરોપીઓએ સુરત મહાનગરપાલિકામાં કલાર્કમાં નોકરી અપાવાને બહાને રૂપિયા ૧,૫૦,૦૦૦/- અને તૌસીફ અહમદ ફારુક શેખ પાસેથી રૂપિયા ૪,૨૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૯,૭૦,૦૦૦/- પડાવ્યા હતા. આરોપીઓએ બંને નોકરી ઈચ્છુકોને વિશ્વાસમાં લેવા માટે પહેલા રૂબિનાબાનું અને જેનુલે મજુરાગેટ ખાતે પાલિકાનો ડ્રેસ પહેરીને આવેલા બે જણા સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ રૂબિનાબાનુ અગાઉ ભાડેથી રહેતા તે રાણીતળાવ માછલીપીઠ મોહમંદી એપાર્ટમેન્ટના ચોથા માળે ઈન્ટરવ્યુ લીધુ હતી.
ત્યારબાદ સુરત મહાનગરપાલિકા કમિશનરના સહી સિક્કા સાથેનો કોલ લેટર આપ્યો હતો. જોકે, તમામ બોગસ હોવાનુ બહાર આવ્યુ હતુ. આકીબ અને તૌસીફને તેમની સાથે પાલિકામાં કલાર્કમાં નોકરી અપાવાને બહાને ઠગાઈ કરવામાં આવી હોવાનુ બહાર આવતા ગતરોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500