સુરતનાં કામરેજ તાલુકાનાં ઉંભેળ નેશનલ હાઈવે ઉપરથી હોટલનાં પાર્કિંગમાં બે દિવસથી ઉભેલા કન્ટેઈનર ટ્રકની શુક્રવારે એસઓજી દ્વારા હોટલ માલિકની રૂબરૂમાં તાળા ખોલીને તપાસ કરવામાં આવી હતી. જેમાં કન્ટેઈનર માંથી કુલ 30 મીણીયા કોથળામાંથી 701.100 કિલોગ્રામ ગાંજો રૂપિયા 70.11 લાખના મૂલ્યનો જથ્થો મળી આવતા કબ્જે કર્યો હતો.
જયારે ટ્રકની ડ્રાઈવર કેબિનમાંથી અન્ય નંબરની નંબર પ્લેટો પણ મળી આવી હતી. બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લા એસઓજીની ટીમે ગુરૂવારે સાંજના સમયે હેડ કોન્સ્ટેબલ રોહિત બાબુભાઈને મળેલી બાતમીના આધારે ઉભેળ ગામે નેશનલ હાઈવે નંબર-48 ઉપર આવેલી મહાદેવ હોટેલની પાછળના ભાગે પાર્કિંગમાં તપાસ કરી હતી.
જેથી પોલીસની ટીમ પાર્કિંગમાં જતાં બિનવારસી કન્ટેઈનર ટ્રક નંબર HR/46/D/7337માં પાછળના ભાગે બે તાળા મારેલા હતા. ટ્રકની કેબીનમાં ડ્રાઈવર કે અન્ય કોઈ નહીં જણાતા પોલીસે હોટલ માલિક સહદેવસિંહ શંકરસિંહ રાજપુરોહિત (રહે.ઉંભેળ, મૂળ રહે. રાજસ્થાન) નાને ટ્રક પાસે લાવી પૂછપરછ કરતાં કન્ટેઈનર ટ્રક હોટલના પાર્કિંગમાં બે દિવસથી ઉભું છે અને ડ્રાઈવર સહિત કોઈ જણાતાં નથી તેમ જણાવ્યું હતુ.
જેથી પોલીસે ટ્રકના ડ્રાઈવર કેબીનનો દરવાજો ખોલતા ટ્રક ચાલુ કરવાની જગ્યાએ ચાવી હતી. જેની સાથે બીજી બે ચાવી હતી. જે ચાવીથી કન્ટેઈનરના પાછળના ભાગે મારેલા તાળા ખોલતા કન્ટેઈનરમાં 24 મીણીયા કોથળામાં વનસ્પતિજન્ય ગાંજો ભરેલો હતો. ડ્રાઈવર કેબીનમાં સીટ નીચેના ભાગે અન્ય નંબરની નંબર પ્લેટો પણ મળી આવી હતી.
તેમજ બોડીના પાછળના ભાગે ચોરખાનુ બનાવી દરવાજો મુકેલો હતો. પોલીસે ચોરખાનુ ખોલતા તેમાંથી પણ વધુ 6 મીણીયા કોથળામાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કુલ 30 કોથળામાંથી 701.100 કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા 70,11,000/-નો જથ્થો કબજે કરી એફ.એસ.એલ પાસે પરીક્ષણ કરાવ્યું હતુ.
આમ, પોલીસે રૂપિયા 10 લાખના કન્ટેઈનર સાથે કુલ રૂપિયા 80,11,100/-નો મુદ્દામાલ કબ્જે કરી કામરેજ પોલીસમાં નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અજાણ્યા ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી ટ્રક નંબર આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500