સુરતના મહુવા તાલુકાના કુમકોતર ગામે જોરાવરપીરની દરગાહના માથું ટેકવવા ગયેલા સુરતના પરિવારના 5 સભ્યો અંબિકા નદીમાં ડૂબી જતાં ચકચાર મચી ગઇ હતી. પાંચ પૈકી બેના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે ત્રણની મોડી સાંજે સુધી શોધખોળ હાથ ધરાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતમાં લીંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલી નુરાની નગર ગલી નંબર-6માં રહેતા જાવીદશા સલીમશા ફકીર (ઉ.વ.36) જે ગતરોજ રીક્ષામાં પરિવારજનો સાથે મહુવા તાલુકાના કુમકોતર ગામે આવેલ જોરાવરપીર દરગાહના દર્શન માટે ગયા હતા. તેમની સાથે માતા રુક્ષનાબી સલીમ શા ફકીર (ઉ.વ.55), પત્ની પરવીનબી જાવીદશા ફકીર (ઉ.વ.30), રૂક્ષારબી જાફુરશા સલીમશા ફકીર(ઉ.વ.27), નાનાભાઈ આરીફશા સલીમશા ફકીર (ઉ.વ.22) અને તેની પત્ની સમીમબી આરીફશા (ઉ.વ.18) કુમકોતર દરગાહ પર માથું ટકાવવા ગયા હતા.
ત્યારબાદ દરગાહ પર માથું ટેકવ્યા બાદ પરિવારના સભ્યો નજીકથી પસાર થતી અંબિકા નદીમાં નહાવા પડ્યા હતા અને આ દરમિયાન એક પછી એક પરિવારજનો નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જાવીદશાની નજર સામે જ પરિવારના તમામ સભ્યો ડૂબી જતાં તેના પર જાણે આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બારડોલી ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમીયાન રુક્ષાનાબી સલીમશા ફકીર અને અન્ય એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે મોડી સાંજે પણ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ શોધ ખોળ જારી રાખી હતી. પોલીસે જાવીદશાની ફરિયાદ લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500