ચૌટાબજારના હેપ્પી ફેશન નામની દુકાનમાંથી ટુક્ડે ટુક્ડે રૂપિયા 1.65 લાખનો લેડીઝ ગારમેન્ટનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી દુકાનને રાતોરાત તાળા મારી ઉધનાના ત્રણ ઠગ વેપારી પૈકી એકની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી છે.
ચૌટાબજાર સ્થિત ઇન્દ્રપ્રસ્થ માર્કેટમાં હેપ્પી ફેશન નામે લેડીઝ ગારમેન્ટનો હોલસેલમાં વેપાર કરતા પ્રવિણસિંહ ગંભીરસિંહ ખેર(ઉ.વ.46, રહે.એ-501,રાજહંસ વિંગ્સ,પાલનપુર કેનાલ રોડ)ની દુકાને ગત 17 ઓક્ટોબરના રોજ ભેસ્તાન ગાર્ડન નજીક ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીઝમાં વેપાર કરતા કૈલાશ કારવા (રહે. 403,રવિરાજ સોસાયટી,હરીનગર-2,ઉધના) અને નિતેશ ભેંસાણીયા (રહે.એ-127, સ્વપ્ન વીલા સોસાયટી, દાદા ભગવાન મંદિરની પાછળ, કામરેજ) આવ્યા હતા. કૈલાશ અને નિતેશના ઓર્ડર મુજબ રૂપિયા 28,785/-નો કુર્તીનો માલ પ્રવિણસિંહ ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચાડયો હતો અને વાયદા મુજબ ચાર દિવસમાં પેમેન્ટ ચુકવી દીધું હતું.
ત્યાર બાદ કૈલાશ અને નિતેશના ઓર્ડર મુજબ ઉધના પ્રભુનગર નજીક સૈફી કોમ્પ્લેક્ષમાં ભારતી પ્રિન્ટ નામે દુકાન ધરાવતા પ્રદીપ સુરાનાની દુકાને ટુક્ડે ટુક્ડે રૂપિયા 1.65 લાખનો કુર્તીનો જથ્થો મંગાવ્યો હતો અને સાતેક દિવસમાં પેમેન્ટ ચુકવવાનો વાયદો કર્યો હતો.
પરંતુ વાયદા મુજબ પેમેન્ટ ચુકવ્યું ન હતું અને પ્રવિણસિંહ ઉઘરાણી માટે ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી પ્રિન્ટ નામની દુકાને ગયો ત્યારે તેઓની દુકાનમાં અન્ય લોકોની હાજરી હતી અને તેઓ ઉપરોકત પૈકી કોઇને ઓળખતા નહીં હોવાનું જણાવ્યું હતું.
દસેક દિવસ અગાઉ પ્રવિણસિંહે નોંધાવેલી ફરીયાદ અંતર્ગત અઠવાલાઇન્સ પોલીસે નિતેશ પ્રાગજી ભેંસાણીયા(ઉ વ.37)ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500