Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા સિંગણપોરની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે બની પ્રાણવાહિની

  • July 29, 2023 

સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા સુરતના સિંગણપોર વિસ્તારની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે પ્રાણવાહિની બની હતી. સગર્ભા મહિલા ઘરેથી ચાલીને હોસ્પિટલ જઈ રહ્યા હતા, એ દરમિયાન પ્રસૂતિની અસહ્ય પીડા થતા રસ્તામાં જ ૧૦૮ ઈમરજન્સી દ્વારા સલામતીપૂર્વક અને સફળ નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. તા.૨૭મીએ સવારે ૬:૦૦ વાગ્યે સિંગણપોર ૧૦૮ ઈમરજન્સી સેવાને પ્રસૂતાની ઈમરજન્સીનો કોલ મળતા સિંગણપોર ૧૦૮ વાન સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં જાણવા મળ્યું કે, સિંગણપોર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુ:ખાવો શરૂ થતા તેઓ પોતાના ઘરેથી હોસ્પિટલ નજીક હોવાથી ચાલીને હોસ્પિટલ સુધી જવા નીકળ્યા હતા, પરંતુ તે દરમિયાન પ્રસવ પીડા અસહ્ય બની હતી. હોસ્પિટલ ૫૦૦થી ૭૦૦ મીટર દૂર હતી, આવી સ્થિતિમાં મહિલાથી આગળ ચાલી શકાય તેમ ન હોવાથી દુ:ખાવાના કારણે રોડ પર જ બેસી ગયા હતા.



આ વિકટ સ્થિતિમાં સગા-સંબંધીઓએ તરત ૧૦૮ ઈમરજન્સી સેવા ઉપર ફોન કર્યો. ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચેલા ૧૦૮ના ફરજ પરના ઈમરજન્સી મેડિકલ ટેકનિશીયન અને પાયલોટ મિત્રએ જોયું કે, બાળક થોડું બહાર આવી ગયું છે, અને હવે મહિલાને ખસેડવી કે ઊભી કરવી જોખમી હતું. જેથી પરીસ્થિતિવશ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ રોડ પર જ પ્રસૂતિ કરાવવાનું નક્કી કર્યું. આ દરમિયાન માતા અને બાળકની બંનેની ગરિમા જળવાઈ રહે તે માટે નજીકના રહેવાસી લોકોએ પણ ૧૦૮ સેવાને મદદ કરી હતી. જ્યારે રોડ ઉપર પ્રસુતિ કરાવવામાં આવી રહી હતી, ત્યારે નજીકના રહેવાસી મહિલાઓઓએ ચારે બાજુથી શાલ, સાડી જેવા કપડાની આડશ અને પડદો કરી સહકાર આપ્યો હતો. રોડ પર જ સફળ નોર્મલ પ્રસૂતિ કરાવ્યા બાદ માતા અને નવજાત બાળકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે એમ ૧૦૮ના સુરત જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લાના સુપરવાઈઝર પરાગ હડીયાએ જણાવ્યું હતું. પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ ઈમરજન્સી જણાય તો તરત જ ૧૦૮ પર કોલ કરવો જોઈએ. ખાસ કરીને, સગર્ભા મહિલાની પ્રસૂતિ સમયે રાહ જોવાના બદલે તરત જ ૧૦૮ સેવાનો સંપર્ક કરો, જેથી માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાય. ૧૦૮ની સમયસૂચકતાના કારણે આજે સિંગણપોરની મહિલા અને બાળક બંને પર જીવનું જોખમ ટળ્યું હતું. સુરત ૧૦૮ સેવા હર હંમેશ લોકોની સહાય માટે તત્પર અને તૈયાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application