Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમકોર્ટનો ચુકાદો : SEBIની તપાસને યોગ્ય ગણાવી, SITની જરૂર નથી

  • January 03, 2024 

અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. SEBIની તપાસને યોગ્ય ગણાવતાં દખલનો ઈનકાર કરી દીધો હતો. જોકે 3 જજોની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું કે, SEBIએ 22 આરોપોની તપાસ કરી હતી. બાકી 2 કેસની તપાસ માટે અમે 3 મહિનાનો સમય આપીએ છીએ. આ સાથે સુપ્રીમકોર્ટે આ મામલે તપાસને SEBIથી છીનવી લઈને SITને સોંપવાનો પણ ઈનકાર કરી દેતાં કહ્યું કે તેનો કોઈ આધાર જ નથી. આ સાથે સરકાર અને SEBIને સુપ્રીમકોર્ટે સલાહ આપી હતી કે, તેઓ નિષ્ણાત કમિટી દ્વારા આપવામાં આવેલા સૂચનો પર ધ્યાન આપે. તપાસને ટ્રાન્સફર કરવાની જરૂર નથી. તપાસ SEBI જ કરશે. SEBIની તપાસ પર અમને શંકા નથી. સ્ટોક માર્કેટમાં નિયમો નક્કી કરવાનું કામ SEBIનું છે.


સુપ્રીમ કોર્ટમાં નિર્ણય બાદ અદાણીના ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે, સત્યની જીત થઈ છે. હું તે તમામ લોકોનો આભારી છું જેઓ અમારી સાથે ઉભા રહ્યા હતા. ભારતના વિકાસમાં અમારુ યોગદાન ચાલુ રહેશે, જય હિન્દ. હિન્ડેનબર્ગના આરોપો બાદ અદાણી સામેના ફ્રોડના કેસમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.


ગત વર્ષે નવેમ્બરમાં બેન્ચે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. અદાણી ગ્રૂપ પર આરોપ લાગ્યો હતો કે તે અદાણી ગ્રૂપે તેના શેરની કિંમતોમાં ગરબડ કરી હતી અને હિન્ડનબર્ગ રિસર્ચ ફર્મના ખુલાસા બાદ તેની શેરની કિંમતો આશરે 80 ટકા સુધી ગગડી ગઇ હતી. અદાણીએ આ તમામ આરોપો ફગાવી દીધા હતા. સુપ્રીમકોર્ટ ચુકાદો આપે તે પહેલાં શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરોની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો હતો. મોટાભાગના શેરોની કિંમતમાં 5 ટકાનો જમ્પ જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટની કિંમતમાં પણ મોટો વધારો દેખાયો હતો. આ કેસમાં કોર્ટે તારીખ 24 નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખતા કહ્યું હતું કે, તેની પાસે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)ને બદનામ કરવાનું કોઈ કારણ નથી, જેણે અદાણી જૂથ સામેના આરોપોની તપાસ કરી હતી. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર SEBIએ શું કર્યું છે તે અંગે શંકા કરવા માટે તેની સમક્ષ કોઈ સામગ્રી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application