મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો આપતા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારને બે સપ્તાહમાં મહાનગરપાલિકાઓ, નગરપરિષદોની ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાયા બાદ ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેના આરક્ષણ સંબંધી મુદ્દાની બંધારણીય યોગ્યતા પર નિર્ણય અપાશે એમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. ઓબીસી માટે 27 ટકા આરક્ષણ ફરી લાગુ કરવાની મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ પંચની ભલામણનો સ્વીકાર કરવાનો ઈનકાર કર્યાના એક સપ્તાહ બાદ જ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ખાનવિલકરે મુંબઈ મહાનગર પાલિકા સહિતની પાલિકાઓ માટે ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને ભલામણ પર અમલ કરવાનું ટાળવા અને તમામ પ્રસ્તાવિત ઓબીસી આરક્ષિત બેઠકોને સામાન્ય કેટેગરીમાં રાખીને વિના વિલંબે જૂની વોર્ડ રચના અનુસાર ચૂંટણીપ્રક્રિયા જાહેર કરવાનો આદેશ આપ્યો છે. મુંબઈ, પુણે, થાણે અને નાશિક જેવી મહત્ત્વની મહાનગરપાલિકાઓના સભ્યોની ચૂંટણી સ્થાનિક સંસ્થા ચૂંટણી મારફત કરવામાં આવે છે. રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું નોંધાવીને જણાવ્યું હતું કે, આ ચૂંટણીઓ માટે તૈયારી કરવા માટે જૂન સુધીનો સમય લાગી જશે,અને ત્યાં સુધીમા ચોમાસુ ચાલુ થઈ ગયું હશે અને ચોમાસામાં અન્ય પડકારોને લીધે ચૂંટણીઓ હાથ ધરી શકાતી નથી.
વોર્ડના સીમાંકન માટેની સત્તા રાજ્ય સરકારને આપતા રાજ્ય વિધાનમંડળના બે ખરડા પર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સહી કર્યા બાદ મહારાષ્ટ્રમાં તમામ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણીઓને લઈને અનિશ્ચિતતા ઝળુંબવા લાગી હતી. બંને ખરડાઓ થકી રાજ્ય સરકારને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટેનું સમયપત્રક નક્કી કરવાની સત્તા આપવામાં આવી હતી પણ સુપ્રીમ કોર્ટે આ બદલાવ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે રાજ્યમાં ઓબીસીના સ્ટેટસ પર રિપોર્ટ રજૂ કરવાનો મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો.
જોકે માર્ચમાં સપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો અહેવાલ ફગાવીને જણાવ્યું હતું કે, આ માહિતી ઈમ્પિરિકલ ડેટા પર આધારિત નથી, પણ રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ઓબીસી આરક્ષણ વિના ચૂંટણી યોજવાથી તેમને હાનિ થશે ખાસ કરીને અનેક કમિટીઓ તેમના રાજકીય અધિકારો જતાવીને આરક્ષણની માગણી કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500