પંજાબના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રમ કોર્ટે શુક્રવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા સંબંધિત દસ્તાવેજો 'સીલ' કરવા નિર્દેશ આપ્યા છે. ઉપરાંત સુપ્રીમે કેન્દ્ર અને પંજાબ સરકારને આ સંબંધમાં તેમની તપાસ બે દિવસ માટે આદેશ આપ્યો હતો અને આ બાબતની વધુ સુનાવણી સોમવાર પર મુલતવી રાખી હતી. જોકે, અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રાલયની ટીમ શુક્રવારે વહેલી સવારે ફિરોઝપુર પહોંચી હતી. આ ટીમે સાઈબર ક્રાઈમના અધિક ડીજીપી નાગેશ્વર રાવની ૫૦ મિનિટ સુધી પૂછપરછ કરી હતી અને ૪૦ મિનિટ સુધી ફ્લાયઓવરનું નિરીક્ષણ કર્યું હતું. બીજીબાજુ પંજાબ સરકારે આ મુદ્દે કેન્દ્રને એક રિપોર્ટ રજૂ કરવાની સાથે આ બાબતમાં એફઆઈઆર દાખલ કરી છે.વડાપ્રધાન મોદીની સલામતી સંબંધે ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણીમાં કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને વડાપ્રધાનની મુવમેન્ટના સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ ઘટનાને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ફજેતી થઈ છે. તો બીજી તરફ પંજાબના એડવોકેટ જનરલ ડી.એસ. પટવાલિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી આ મામલાને ઘણી જ ગંભીરતા પૂર્વક લેવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણના અધ્યક્ષપદે બેન્ચે પંજાબ સરકાર અને કેન્દ્ર સરકારને તેમની ટીમોની તપાસ સોમવાર સુધી રોકવા નિર્દેશ આપ્યા હતા અને આ કેસની વધુ સુનાવણી સોમવાર પર મુલતવી રાખી હતી.જોકે અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશો પર રચાયેલી સમિતિ શુક્રવારે સવારે ૪.૦૦ વાગ્યે બીએસએફ મુખ્યાલય પહોંચી ગઈ હતી. ટીમે નેશનલ હાઈ-વે હિત બીએસએફ, પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે અંદાજે ૪૦ મિનિટ સુધી રોડના નકશાઓની ગંભીરતાપૂર્વક તપાસ કરી હતી. ગૃહમંત્રાલયના અધિકારીઓએ વાઈરલ થયેલા વીડિયા ફૂટેજ અને ફોટોના આધારે ફ્લાયઓવર પર વડાપ્રધાન મોદીની કાર રોકાઈ હતી તે જગ્યાની રેકી કરી હતી. ત્યાર પછી તપાસ ટીમે બુધવારે ફરજ પર હાજર પોલીસ અધિકારીઓની પૂછપરછ કરી હતી.તપાસ ટીમે આંદોલનકારી ખેડૂતોનો કાફલો કયા માર્ગે પુલ પર ચઢ્યો અને કેટલા દૂર સુધી ટ્રાફિક જામ લાગ્યો હતો તે અંગેના સવાલો પૂછ્યા હતા, જેના જવાબ આપવામાં પોલીસ અધિકારીઓ નિષ્ફળ ગયા હતા. ત્યાર પછી તપાસ ટીમે બીએસએફ મુખ્યાલયમાં ફિરોઝપુર સહિત મોગા, બઠિંડા, ફરીદકોટના ૧૪ પોલીસ અધિકારીઓ તેમજ સાઈબર ક્રાઈમના અધિક ડીજીપી નાગેશ્વર રાવની લગભગ ૫૦ મિનિટ સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં પોલીસ અધિકારીઓની બેદરકારીના કારણે વડાપ્રધાનના કાફલાએ રાહ જોઈને પાછા ફરવું પડયું હોવાનું નિષ્કર્ષ સામે આવ્યું છે. બીજીબાજુ પંજાબ સરકારના મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારીએ કેન્દ્રીય ગૃહ મંત્રીને વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક સંબંધે વડાપ્રધાનનો કાફલો રોકવા સંબંધે અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધી હોવાની જાણ કરી હતી. રાજ્ય સરકારે કહ્યું કે આ ઘટનાના સંદર્ભમાં બે સભ્યોની સમિતિ રચાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application