નકલી ઘી, નકલી જીરું મસાલા, પિત્ઝામાંથી જીવાત, શંકાસ્પદ ગોળ, એક્સપાયરી થયેલી મલાઈ બાદ હવે ભાવનગરમાં આઈસ્ક્રીમમાંથી રબ્બર મળી આવ્યું છે. મનપા ટીમે આ બાબતે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં જાહેર ખાણીપીણીમાં જે મહામિલાવટ ચાલી રહી છે, એની અનેક ઘટનાઓ સામે આવી છે. આ ચોંકાવનારું સત્ય આપણી આસપાસ જ છે, તે થઈ પણ રહ્યું છે છતાંય મોટાભાગના લોકોને તેની જાણ નથી હોતી. થોડા દિવસો પહેલા અંબાજીના મોહનથાળ પ્રસાદમાં નકલી ઘીનો મામલો સામે આવ્યો.
તેના પછી ગુજરાતની એક જાણીતી ડેરીના દૂધના સેમ્પલ પણ ફેલ આવ્યા. ગુજરાતમાં એક શહેરમાંથી 7 ટન જેટલો સડેલી મલાઈનો જથ્થો ઝડપાયો તો જસદણમાંથી શંકાસ્પદ ગોળનો જથ્થો મળી આવ્યો. આ ઉપરાંત ઘણી જગ્યાઓ પરથી પિત્ઝામાંથી જીવાત નીકળતાના વીડિયો પણ વાયરલ થયા હતા, અને હવે આમાં વધુ એક બનાવ નોંધાયો છે. ભાવનગરમાં સુપર આઈસ્ક્રીમમાંથી રબ્બર બરામદ થયું છે. માહિતી પ્રમાણે પિરછલ્લા શેરીમાં આવેલી એક આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમમાં રબ્બર નીકળતાં એક જાગૃત નાગરિકે આ બાબતની ફરિયાદ કરતા ભાવનગર મનપાની આરોગ્યની ટીમો દોડતી થઈ ગઈ હતી અને ફૂડ વિભાગે ફેક્ટરીમાં દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, આ મામલે વીઆઈપી ડેલામાં આવેલી સુપર આઈસ્ક્રીમની ફેક્ટરીમાં જઈ આઈસ્ક્રીમના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તેને તપાસ માટે લેબમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500