Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ 150થી 200 રૂપિયાનો વધારો આપ્યો

  • April 03, 2024 

દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે સોમવાર અતિ મહત્વનો દિવસ હતો. આખું વર્ષ મહેનત કરીને ખેડૂતો પોતાના ખેતરમાં શેરડીનું વાવેતર કરીને સુગર ફેકટરીઓમાં તેને પીલાણ માટે નાખતા હોય છે. આ શેરડીના ટન દીઠ ભાવ સુગર ફેક્ટરીઓના સંચાલકો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ખેડૂતોને અપેક્ષિત ભાવો મળ્યા હતા. ગત વર્ષ કરતા ટન દીઠ રૂ. 20થી લઈને 200 સુધીનો વધારો જાહેર કર્યો હતો. દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ વર્ષ ૨૦૨૩ / ૨૦૨૪ માટે શેરડીના ભાવ જાહેર કર્યા હતા. જોકે ખેડૂતોને આશા હતી કે, ચાલુ વર્ષે શેરડીના સારા ભાવ મળશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું. એક તરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે, બીજી તરફ માથે ચુંટણી પણ છે. જેથી ખેડૂતોને ૩૫૦૦ થી ૩૮૦૦ રૂપિયા જેટલા ભાવ મળવાની આશા હતી.


જોકે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનો વધારો આપ્યો છે.  એપ્રિલના પ્રારંભે જ રાજ્યની સુગર ફેકટરીઓએ આજે પ્રતિ ટન શેરડીના ભાવ પાડ્યા છે, જેમાં 21 વર્ષોથી સતત નવસારીની ગણદેવી સુગર ફેક્ટરીએ સૌથી વધુ ભાવ આપવાની પોતાની પરંપરા જાળવી રાખી છે. જેમાં આ વર્ષે સુકાની વિના પણ ડાયરેક્ટરોએ પોતાની સહકારી દ્રષ્ટિનો પરચો આપ્યો છે અને પ્રતિ ટન શેરડીનો ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં 3605 અને ત્યારબાદ એપ્રિલ સુધીમાં દર મહીને 100 રૂપિયાના વધારા સાથે ભાવ આપતા સભાસદ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. નવસારીના ગણદેવી ખાતે કાર્યરત ગણદેવી સુગર ફેક્ટરી વર્ષોથી પોતાની કાર્યક્ષમતાને કારણે ખેડૂતોને સારા ભાવો આપવા માટે જાણીતી બની છે.


ત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓ કરતા સૌથી વધુ ભાવો જાહેર કર્યા છે. ખેડૂતોને સારા ભાવો મળતા જિલ્લાના મુખ્ય પાકોમાં શેરડીનો પણ સમાવેશ થાય છે. ગણદેવી સુગર ફેક્ટરીમાં સુવ્યવસ્થિત સંચાલનને કારણે દર વર્ષે 10 લાખ ટનથી વધુ શેરડીનું પીલાણ થાય છે અને તેના કારણે 11 ટકાથી વધુની રીકવરી મળે છે. આ વર્ષે 15 દિવસ વહેલી ફેક્ટરી બંધ થશે, પણ અત્યાર સુધીમાં 903500 ટન શેરડીનું પીલાણ કરી, 10.21 લાખ ખાંડની બેગ ભરી છે અને તેની સામે 11.46 ટકાની રીકવરી મેળવી છે. ગણદેવી સુગર ખાંડની સાથે જ બગાસ, મોલાસીસ, ઇથેનોલ વગેરે બાય પ્રોડક્ટ બનાવીને પણ આવક મેળવે છે.


જેને આધારે ગણદેવી સુગર ફેક્ટરી દ્વારા આ વર્ષે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં પ્રતિ ટન શેરડીના 3605 રૂપિયા, ફેબ્રુઆરીમાં 3705 રૂપિયા, માર્ચમાં 3805 રૂપિયા અને એપ્રિલ મહિનામાં 3905 રૂપિયાનો ભાવ જાહેર કરતા જ સભાસદ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જયારે ફેક્ટરીએ 40 રૂપિયા કપાત પણ જાહેર કરી છે. ઉલ્લેખનિય છે કે, ગણદેવી સુગર ફેકટરીમાં હાલ પ્રમુખ અને ઉપપ્રમુખ કાર્યરત નથી. તેમ છતાં વર્તમાન ડિરેકટ રોએ છેલ્લા 21 વર્ષોથી સમગ્ર ભારતમાં પ્રતિ ટન શેરડીના સૌથી વધુ ભાવો આપવાની પોતાની પરંપરા જાળવી રાખી છે.  દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા કામરેજ સુગર મિલ એ ભાવ જાહેર કર્યા હતા. કામરેજ સુગર મિલ ધ્વારા ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૨૦૦ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો. કામરેજ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના ૩૩૫૧ રૂપિયા, ફેબ્રુઆરી ૩૪૫૧ રૂપિયા અને માર્ચના ૩૫૫૧ રૂપિયા જાહેર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application