મુંબઇ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રનાં હવામાનમાં આજે અચાનક પલટો આવ્યો હતો. જોકે આજે બપોર બાદ મુંબઇના આકાશમાં કાળાં ડિબાંગ વાદળોનો વિશાળ જમઘટ જામ્યો હતો. સાથોસાથ પશ્ચિમનાં અમુક પરામાં હળવી વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે જયારે નજીકનાં નવી મુંબઇ, પાલઘર, પનવેલ ઉપરાંત કોંકણ, મધ્યમહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં પણ નાગપુર અને અકોલા સહિતનાં અમુક સ્થળોએ મેઘગર્જનાં, વીજળીનાં કડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હોવાના સમાચોર મળે છે.
જયારે મધ્ય મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેર અને જિલ્લાનાં ઇચલકરંજી, હાતકણંગલે, રૂકડી, તારદાળ વગેરે સ્થળોએ ગાજવીજ સાથે ભારે વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. અમુક સ્થળોએ તો રેલવેનાં ભૂગર્ભ માર્ગમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયાં હોવાના સમાચાર મળે છે. ઉપરાંત મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોમાં સોયાબીન સહિત ખેતીના અન્ય પાકને અને શાકભાજીને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળે છે.
હવામાન ખાતાએ આવતા બે દિવસ એટલે તારીખ 12 અને 13 દરમિયાન કોંકણ (મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ), મધ્યમહારાષ્ટ્ર (અહમદનગર,પુણે,કોલ્હાપુર,સાતારા,સોલાપુર), મરાઠવાડા (ઔરંગાબાદ,જાલના,પરભણી,લાતુર) વિદર્ભ (અકોલા,અમરાવતી,ભંડારા,બુલઢાણા,નાગપુર)માં મેઘગર્જના, વીજળીનાં કડાકા, તીવ્રપવન સાથે મધ્યમથી ભારે વરસાદનો માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો છે. હવામાન ખાતાના મુંબઇ કેન્દ્રનાં ડાયરેક્ટર એવી માહિતી આપી હતી કે, હાલ ઉત્તર ગુજરાતથી રાજસ્થાન થઇને હરિયાણા સુધી હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.
સાથોસાથ કર્ણાટક, મરાઠવાડા અને વિદર્ભ થઇને મધ્યપ્રદેશ સુધીનાં ગગનમાં 1.5 કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. આવા પરિબળો સાથે મહારાષ્ટ્ર પર ઉત્તર દિશામાંથી સૂકા પવનો પણ ફૂંકાઇ રહ્યા છે. પરિણામે ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500