રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર વર્ષની વયના બે બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. સુરત સિવિલના ઈએનટી વિભાગના વડા ડો.જૈમિન કોન્ટ્રકટર તથા ડો.રાહુલ પટેલ દ્વારા શહેરના ઉમરવાડા વિસ્તારમાં રહેતા ચાર વર્ષીય આયેશા અબ્દુલરઉફ શેખ તથા અમરોલી ખાતે રહેતા ચાર વર્ષીય હાર્દિક મોતીભાઈ બેરડીયાની સર્જરી કરવામાં આવી હતી. જન્મથી મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) બન્ને બાળકોને ‘વાણી-શ્રવણ’ અને નવી જિંદગીની ભેટ મળી છે. આ સાથે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ૭મુ અને ૮મુ સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થયું છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં જે સર્જરીનો અંદાજે રૂ.૧૦ થી ૧૨ લાખ જેટલો ખર્ચ થતો હોય છે, તે સર્જરી નવી સિવિલમાં ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત નિ:શુલ્ક કરવામાં આવતા બે મધ્યમવર્ગીય પરિવારોને મોટી આર્થિક રાહત સાથે બાળકોને નવી જિંદગી મળી છે.
આ પહેલા નવી સિવિલ દ્વારા ૬ બાળકોની સર્જરી થઈ ચૂકી છે. વધુ બેન બાળકોની સર્જરી થતા કુલ ૮ સફળ ઈમ્પ્લાન્ટ થયા છે. નવી સિવિલના તબીબોની જહેમતથી બે બાળકોને નવું જીવન મળ્યું છે. જન્મથી મૂકબધિર બન્ને બાળકોના પરિવારો માટે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ આશાનું કિરણ બનીને આવ્યો છે. આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન થતા સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે સિવિલના ENT વિભાગના ડો.રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આ સર્જરીમાં ચારથી પાંચ કલાક ઓપરેશનમાં સમય લાગે છે. નાની વયે એટલે કે, છ વર્ષથી નીચેથી વય હોય તો સફળતા વધુ મળે છે. આ પધ્ધતિ વિશે જણાવ્યું કે, બાળકના કાનની ચામડીના અંદરના ભાગમાં સર્જરી કરીને ઈલેકટ્રોડ મશીન ફીટ કરવામાં આવે છે, પછી ત્રણ અઠવાડિયા બાદ ટાંકાઓ ખોલી મશીનની સ્વીચ ઓન કરવામાં આવે છે.
આ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ ૧ થી ૨ વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરેપી’(AVT) માટેની જરૂરી ટ્રેનિંગ પણ લેવી પડે છે. જેથી ધીમેધીમે બાળક સાંભળુ અને બોલતુ થાય છે. આયેશા શેખના પિતાએ અબ્દલરઉફ શેખે જણાવ્યું કે, મારી દીકરી આયેશા નાનપણથી બોલી કે સાંભળી શકતી ન હતી. આજે મારી દીકરીનું વિનામૂલ્યે ઓપરેશન થયું છે જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી જ રીતે બોટાદ જિલ્લાના જોટીંગડા ગામના વતની અને સુરતમાં રહેતા હાર્દિકના માતા રંજનીબેન બેરડીયાએ જણાવ્યું કે, અમારા પરિવારની પરિસ્થિતિ સામાન્ય છે. મારા પુત્રનું ઓપરેશન સરકારની આર.બી.એસ.કે. યોજના અંતર્ગત વિનામૂલ્યે થયું છે, અને તે સાંભળતો-બોલતો થઈ જશે એની વિશેષ ખુશી છે, રાજ્ય સરકારનો આભાર માનીએ એટલો ઓછો છે.
નોંધનીય છે કે, ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૧૦ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે. નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ ઈ.એન.ટી. વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રકટર તથા ડો.રાહુલ પટેલ, બે રેસિડેન્ટ ડોકટરો તથા એનેસ્થેટીસ્ટ ટીમના ડો.હેમાંગિની પટેલ તથા ડો.તેજલ ચૌધરીના સહયોગથી બન્ને સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી પાર પાડવામાં આવી હતી. સર્જરીમાં નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ પણ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500