Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટાઇટેનિક જહાજનાં અવશેષો જોવા ગયેલું ‘ટાઇટન’ નામનાં સબમર્સિબલ સાથે પાંચ પ્રવાસીઓ મહાસાગરમાં લાપતા : સબમર્સિબલ ‘ટાઇટન’ને શોધવા કેનેડા અને US દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરાયા

  • June 21, 2023 

એક સદી અગાઉ દરિયામાં જળસમાધિ લેનારી વિખ્યાત ઓસન લાઇનર ટાઇટેનિકનાં દરિયાના તળિયે આવેલા અવશેષો જોવા માટે પાંચ જણા સાથે રવિવારે સવારે રવાના થયેલા ટાઇટન નામના સબમર્સિબલને બચાવવા માટે બચાવકારો સમય સાથે હોડમાં ઉતર્યા છે. ઓસનગેટ એક્સિપિડિશન્સ કંપનીની  કાર્બન ફાઇબરની બનેલી ટાઇટન નામની આ સબમર્સિબલમાં પાઇલટ, વિખ્યાત બ્રિટિશ સાહસવીર, પાકિસ્તાની બિઝનેસ પરિવારના બે સભ્યો તથા અન્ય એક વ્યક્તિ એમ કુલ પાંચ જણા સવાર થયા હતા. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ખોવાઇ ગયેલા સબમર્સિબલ ટાઇટનને શોધવા માટે કેનેડા અને US દ્વારા સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.



ઓસનગેટના સલાહકાર ડેવિડ કોકકેનોને જણાવ્યું હતું કે, રવિવારે સવારે છ વાગ્યે આ ટાઇટનને દરિયામાં ઉતારવામાં આવી ત્યારે તેમાં 96 કલાક ચાલે તેટલો ઓક્સિજન હતો. રવિવારે સાંજે તે ન્યુ ફાઉન્ડલેન્ડમાં સેંટ જ્હોન્સની દક્ષિણે 700 કિલોમીટરનાં અંતરે તે પાછી ફરવાની હતી. બચાવ કામગીરી ચલાવી રહેલા યુએસ કોસ્ટ ગાર્ડના કમાન્ડર જ્હોન માઉગેરે જણાવ્યું હતું કે, આ અંતરિયાળ ઇલાકો છે અને ત્યાં બચાવ કામગીરી કરવી કપરી બની રહે છે. અમે  સબમર્સિબલને શોધવા અને તેમાં સવાર પાંચે જણાને બચાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. સવારે કેનેડાના બોઇંગ પી-૮ પોસિડોન રિકોનેન્સન્સ વિમાનોએ મહાસાગરની સપાટી પર તેમની શોધ શરૂ કરી હતી યુએસના બે લોકહીડ C-130 હરક્યુલસ વિમાનો દ્વારા પણ તેમની શોધ કરવામાં આવી રહી છે.



કેનેડિયન રિસર્ચ આઇસબ્રેકર પોલર પ્રિન્સ ટાઇટનને સપોર્ટ કરી રહ્યું હતું તે આખી રાત સપાટી પર તેની શોધ ચલાવશે. ટાઇટનને દરિયામાં ઉતારવામાં આવ્યું તે પછી તે એક કલાક અને 45 મિનિટમાં પોલર પ્રિન્સ સાથે તેનો સંપર્ક ગુમાવી ચૂક્યુ હતું.  ટાઇટનના પ્રવાસીઓમાં બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગનો સમાવેશ થાય છે. ત્રણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ જેમના નામે બોલે છે તે હાર્ડિંગ અબજોપતિ સાહસવીર છે. દુબઇમાં રહેતાં હાર્ડિંગ એક્શન એવિએશન કંપનીના ચેરમેન છે. તેઓ બ્લુ ઓરિજિનના ન્યુ શેફર્ડ રોકેટમાં અવકાશની સફરે પણ ગયા હતા. તેમની સાથે પાકિસ્તાની શહેઝાદા દાઉદ અને તેમનો પુત્ર સુલેમાન છે. દાઉદ પરિવારની કંપનીઓના પાકિસ્તાનમાં કૃષિ, ઉદ્યોગ અને આરોગ્ય ક્ષેત્રમાં  મોટા હિતો છે. શહેઝાદા દાઉદ કેલિફોર્નિયાની સેટી ઇન્સ્ટિટયુટના બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં બેસે છ.સેટી પરગ્રહ પર જીવનની શોધ કરતી સંસ્થા છે.



1912માં હિમશીલા સાથે ભટકાઇને 700 પ્રવાસીઓ સાથે જળસમાધિ લેનારા ટાઇટેનિક જહાજના ભંગારનો અભ્યાસ કરવા માટે ઓસનગેટ કંપની દ્વારા આ ત્રીજી સહેલ ગોઠવવામાં  આવી હતી. 1985માં ટાઇટેનિક જહાજના ભંગારની શોધ થઇ તે પછી તેનો ધાતુ હજમ કરી જતાં બેક્ટેરિયા દ્વારા નાશ થઇ રહ્યો છે. દાયકાઓમાં આ જહાજ નામશેષ થઇ જવાની આગાહી કરવામાં આવી હોઇ લોકો તેની ઝલક મેળવવા મોટી ફી ચૂકવી આ સહેલ કરવા જાય છે. 2021માં આ સહેલ શરૂ થઇ ત્યારે તેની ફી એકથી દોઢ લાખ ડોલર હતી પણ હવે ઓસનગેટની વેબસાઇટ અનુસાર 2023ની સહેલ માટે અઢી લાખ ડોલરની ફી વસૂલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application