દક્ષિણ મધ્ય પેસિફિક મહાસાગર સ્થિત સોલોમન દ્વીપ સમુહમાં લાગેલા ભૂકંપના તીવ્ર આંચકાઓમાં તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.3ની નોંધાઈ હતી. તેથી 'સુનામી'ની પણ ચેતવણી અપાઈ હતી. તે પૂર્વે ઈન્ડોનેશિયાનાં જાવામાં આવેલા સિયાંજૂરમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જોકે મંગળવારે લડાખ અને કારગીલ તથા અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. તેમાં તીવ્રતા 4.3ની હતી. ત્યાં આજે બુધવારે સવારે તૂર્કીનાં પાટનગર અંકારામાં પણ ભૂકંપના તીવ્ર આંચકા નોંધાયા છે. તૂર્કીનાં નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીનાં જણાવ્યા પ્રમાણે અંકારાથી 186 કી.મી. ઉત્તર પશ્ચિમે સ્થાનિક સમય સવારના 4.08 વાગે ભૂકંપના તીવ્ર આંચકા નોંધાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.00ની નોંધાઈ છે. પ્રાપ્ય માહિતી પ્રમાણે હજી સુધી તો કોઈ જાનહાની થવાની કે માલ-મિલ્કતને નુકસાન થયું હોવાના સમાચાર નથી, પરંતુ ભૂકંપની તીવ્રતા જોતાં ત્યાં જાનહાની તથા માલ-મિલ્કતને ભારે નુકસાન થયું હોવાની પૂરી સંભાવના છે.
આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉત્તર-પશ્ચિમના ડુડરો પ્રાંતમાં ભૂમિથી નીચે 10 કીલોમીટરમાં હોવાનું સત્તાવાર એજન્સીએ જણાવ્યું છે. આથી બોસ્પરસની સમુદ્રધુનિથી ઉત્તર પૂર્વે રહેલાં ઈસ્તંબુલ (કોન્સ્ટન્ટીનોવલ)માં પણ ધરતીકંપના આંચકા લાગ્યા હતા. ઉત્તર પશ્ચિમથી શરૂ કરી છેક. અંકારા અને આસપાસની ધરા ધ્રુજી ઊઠી હતી. ઉલ્લેખનીય છે કે 23 વર્ષે પૂર્વે 1999માં તૂર્કીના આ પ્રદેશમાં જ તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા ૭.૨ની માપવામાં આવી હતી. આજે બુધવારે સવારે અરૂણાચલ પ્રદેશનાં બસરમાં પણ ભૂકંપના ઝટકા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 3.8ની નોંધાઈ હતી. પ્રાપ્ય માહિતી પ્રમાણે આજે સવારે આશરે 7.01 મિનિટે અરૂણાચલ પ્રદેશનાં બસરથી 58 કી.મી. દૂર ઉત્તર પશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. તેની ઉંડાઈ ભૂમિથી નીચે 10 કી.મી. હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન ઈન્ડોનેશિયામાં લાગેલા ભૂકંપના આંચકાથી 268 લોકોનાં મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. ત્યાં હજી 151 લોકો લાપત્તા છે.
આમ સોલોમન દ્વિપ સમુહથી શરૂ કરી છેક ઈસ્તંબુલ સુધીની ધરા ધૂ્રજી ઉઠી છે. મંગળવારે લેહ અને કારગીલમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. તેમાં રિક્ટર સ્કેલ ઉપર જ 3ની તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રીક્ટર સ્કેલ ઉપર 4થી વધુ તીવ્રતા ધરાવતા ભૂકંપોથી નુકસાન થાય છે અને છની તીવ્રતાએ તો કાચા મકાનો તૂટી પડે છે. પાકાં મકાનોની દિવાલોમાં તિરાડો પડી જાય છે. 8થી ઉપરની તીવ્રતાએ તો તબાહી મચી જાય છે. પૂલો પણ તૂટી પડે છે. મજબૂત મકાનો પણ ધરાશાયી થઈ જાય છે અને ૯ કે તેથી વધુ તીવ્રતાવાળા ધરતીકંપમાં તો મેદાનમાં પણ ઉભા હો ત્યારે ધરતી હલતી દેખાય છે. ભૂકંપની વિભીષિકા ભયંકર હોય છે. માનવી તે સામે લાચાર છે. વાવાઝોડાની આગાહી સેટેલાઇટ પિકચર્સ ઉપરથી મળી શકે છે. પરંતુ ટેકટોનિક પ્લેટ્સ ક્યાં પરસ્પર સાથે અથડાશે તે જાણી જ શકાય તેમ નથી. ભૂકંપો માટેનું આ મુખ્ય કારણ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500