Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીરૂ, હળદર, ધાણા જેવા મસાલાઓમાં ભેળસેળનું પ્રમાણ વધતા કંપનીઓને નોટિસો ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી

  • July 08, 2024 

ભારતીય ખાદ્ય સુરક્ષા વિભાગે તાજેતરમાં મસાલ ઉત્પાદક કંપનીઓ પૈકી ગરબડ કરી વિદેશમાં માલ સપ્લાય કરતી 110 કંપનીઓના લાયસન્સ રદ કરી લાલ આંખ કરતાં મસાલા બજારમાં ભારે હડકંપ મચી જવા પામી છે. ક્વોલીટી ચેકીંગ દરમ્યાન ગેરરિતીઓ બહાર આવતાં સરકાર પણ ચોંકી ઉઠી છે. દેશભરમાંથી ચાર હજાર જેટલા સેમ્પલ એકત્રિત કરીને પ્રયોગશાળામાં તપાસ કરાવતાં મોટી ખ્યાતિ ધરાવતી નામચીન કંપનીઓની કરતૂતો બહાર આવતાં તંત્રએ 110 ઉપરાંત કંપનીઓના લાયસન્સ રદ કરીને ઉત્પાદન તાત્કાલિક અસરથી બંધ કરવા માટે નોટિસો ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં મસાલાની ગુણવત્તા ચેક કરતી પરીક્ષણ લેબોરેટરીઓની ઓછી સંખ્યા સામે સેમ્પલો હજારોની સંખ્યામાં હોવાથી રિપોર્ટ આવતાં ખૂબ સમય લાગી રહ્યો છે.


જેમ જેમ રિપોર્ટ બહાર આવશે તેમ તેમ આગામી સંખ્યામાં કેટલીય અન્ય મસાલા કંપનીઓના લાયસન્સ રદ થઈ શકે તેમ છે. સરકારે ગરબડ ભેળસેળ કરતી કંપનીઓના લાયસન્સ રદ કરી ધંધો કરવાની સૂચનાની સાથે હાજર સ્ટોક પણ સીલ કર્યો છે. મસાલા કંપનીઓના સેમ્પલોમાં કેન્સરના રોગનું કારણ બની શકે તેવા પદાર્થો જેવા કે ઈથેલિન ઓકસાઈડની માત્રા નિયત મર્યાદા કરતાં વઘુ પ્રમાણમાં હોવાનું રિપોર્ટમાં બહાર આવતાં સરકારે તાત્કાલિક અસરથી પગલાં લઈ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને કેરાલા તથા તમિલનાડુની નાની-મોટી કંપનીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ જેવા રાજ્યોની મસાલા કંપનીઓના સેમ્પલોની લેબોરેટરી તપાસ હાલમાં ચાલી રહી છે.


મસાલા ઉદ્યોગમાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો છે. આજકાલ ભારતીય મસાલામાં ઈથીલીન ઓક્સાઈડ એટલે કે પેસ્ટીસાઈડ કિટનાશક દવાઓનું પ્રમાણ વઘુ હોવાનો ઈસ્યુ વિવાદાસ્પદ બન્યો છે. આ સંદર્ભે સિગાપોર, હોગકોગ તરફથી રાવ ઉઠી છે. અને ભારતીય મસાલાના વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. સાથે સાથે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા તથા યુરોપીય દેશોમાં પણ ભારતીય મસાલા બ્રાન્ડેડ કંપનીઓના માલોની પરિક્ષણ બાદ વપરાશમાં છુટ આપવા કડક નિયમો હાથ ધરવામાં આવ્યા છે. પાડોશી દેશ નેપાળે પણ દેશની બે અગ્રણી મસાલા બ્રાન્ડેડ કંપનીઓના ઉત્પાદનોના આયાત તથા વપરાશ સામે પ્રતિબંધ જાહેર કરતાં ભારતીય મસાલાની આબરૂના ધજાગરા ઉડ્યા છે.


ગુજરાતમાં પણ જીરૂ, હળદર, ધાણા જેવા મસાલાઓમાં ધોળે દિવસે ભેળસેળનું પ્રમાણ અતિશય હોવા છતાં ભ્રષ્ટ સરકારી તંત્રને કારણે ખુલ્લેઆમ અસમાજિક પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો છે. ભેળસેળ યુક્ત મસાલા તથા ખાદ્યચીજોના બેફામ વપરાશને કારણે પ્રજાનું સ્વાસ્થ પણ જોખમાયુ છે અને કેન્સર જેવા રોગોનું પ્રમાણ નોંધપાત્ર અને સતત વધી રહ્યું છે. આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સઘન પગલાં લેવામાં આવે તે અંત્યત જરૂરી બન્યું છે. દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું રહેતાં ખરીફ પાકોનું વાવેતરનું કામકાજ પૂરજોશમાં શરૂ થયેલ છે. ખરીફ સીઝનમાં કઠોળ તથા તેલીબિયાંની ખેતી ઉપર વિશેષ ઘ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે.


મસાલામાં સૌથી વઘુ વપરાશ તથા વેપાર ધરાવતા જીરામાં આજકાલ તુર્કી તથા સિરિયાના જીરાના નવા પાકના ખુલી રહેલા બજાર ઉપર ઘ્યાન કેન્દ્રિત થયેલ છે. જો પાક બજારમાં લેટ આવશે તો ભારતીય જીરાની માંગ ઝડપથી વધશે તેમ છે. સાથે સાથે ચીનમાં અતિવૃષ્ટિને કારણે 35થી 40 ટકા જીરાનો પાક ધોવાઈ ગયો હોવાથી ભારતીય જીરાની ડિમાન્ડ આવશે તેવા અહેવાલોથી જીરા બજારમાં કરંટ જળવાઈ રહે તેવી ગણતરી વેપારી વર્ગમાં પ્રવર્તી રહી છે. મે-જૂન માસમાં દેશાવરની માંગ નબળી રહેતાં મંદીનું પ્રેસર જળવાયેલું રહ્યું છે. ચીનમાં નવા જીરાની આવકો ચાલુ હોવા છતાં ગયા મહિને ભારતમાંથી 100 ઉપરાંત કંટેનરો જેટલા જીરાના સોદા થયા હોવાના અહેવાલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application