પાંડેસરાના શ્લોક કોમ્પ્લેક્સ પાસે ચાની લારી ચલાવતા યુવાનને ચાર વર્ષની બાળકી મળી આવી હતી. આ યુવાનને તેની આજુબાજુ લારી ચલાવતા લોકોઍ બાળકીના સગાસંબંધીને શોધવાની કોશિષ કર્યા બાદ આખરે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને પાંડેસરા પોલીસ બાળકીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી બરોબર એજ સમયે બાળકીના માતાપિતા પણ બાળકીના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસે ખાતરી કર્યા બાદ બાળકીનો કબજો તેના માતાપિતાને સોંપી દીધો હતો.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર પાંડેસરાના તિરૂપતિ નગરમાં રહેતો અજય ગુપ્તા પાંડેસરા મેઇન રોડ પર આવેલા શ્લોક કોમ્પલેક્સની પાસે ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે દરમિયાન બપોરના સમયે ઍક વ્યક્તિ ચાર વર્ષની બાળકીને તેની પાસે મૂકી ગયો હતો.
હકીકત ઍવી હતી કે આ બાળકી રસ્તો ક્રોસ કરતી હતી તે સમયે તે અજાણ્યા વ્યક્તિને મળી હતી અને તેણે બાળકીને અજય પાસે મુકી દીધી હતી. બાળકીને કોઇ ઉપાડી લાવ્યું નહોતું પરંતુ તે ઘરેથી ભૂલી પડી ગઇ હોય તેવું લાગતું હતું. કારણ કે બાળકી સ્વસ્થ હતી અને રમતી હતી. અજય ગુપ્તા તેની આજુબાજુની લારીવાળાઓઍ બિસ્કિટ અને પાણી આપીને બાળકીને બેસાડી હતી અને તેના પરિવારના સભ્યોને શોધખોડ કરી હતી પરંતુ ચાર પાંચ કલાક વીતી જવા છતાં બાળકીના પરિવારનો પત્તો નહીં લાગતા અજય ગુપ્તાઍ પોલીસ કંટ્રોલમાં બાળકી તેને મળી આવ્યા અંગેની જાણ કરી હતી.
તેના આધારે પાંડેસરા પોલીસ અજય ગુપ્તા પાસે પહોંચી હતી અને બાળકીનો કબ્જો લઇ પરત પોલીસ સ્ટેશને પહોંચી હતી. આ તરફ બાળકીના માતાપિતા પણ બાળકી ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવા અંગે પોલીસ સ્ટેશન આવ્યા હતા અને જોગાનુજોગ જ બાળકીને ત્યાં જોઈ માતાપિતા ગળગળા થઇ ગયા હતા. પોલીસે ખાતરી કર્યા બાદ ચાર વર્ષની બાળકીનો કબ્જો તેના માતાપિતાને સોંપી દીધો હતો. બાળકી સાથે કશું અજુગતું ન બન્યું હોય પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500