Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટોમા કેર ક્લિનિકનો શુભારંભ : સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં દર્દીઓ નિ:શુલ્ક સારવાર મેળવી શકશે

  • August 03, 2023 

નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટોમા કેર ક્લિનિકનો શુભારંભ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો હતો. દર બુધવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન આ વિશેષ ઓ.પી.ડી.શરૂ કરવામાં આવી છે. જેનો નિ:શુલ્ક લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતના સ્ટોમાના દર્દીઓ લઈ શકશે. અમદાવાદ અને વડોદરા સિવિલ બાદ સુરત નવી સિવિલમાં સ્ટોમા કેર ક્લિનિક શરૂ કરાયું છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, સુરત સિવિલમાં દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ સરકારી સેન્ટર કોલોપ્લાસ્ટ કંપનીના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે.



નવી સિવિલ હોસ્પિટલમાં દર મહિને ૨૫ જેટલા દર્દીઓને આંતરડા સંબંધિત કોલોસ્ટોમી, ઈલિયોસ્ટોમી અને યુરોસ્ટોમી એમ ત્રણ પ્રકારની ઓસ્ટોમી સર્જરી કરવામાં આવે છે. સર્જરી બાદ સ્ટૂલ અને યુરિન એકત્ર કરવા માટે કોલોસ્ટોમી બેગ મૂકવામાં ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. આવા દર્દીઓ કોલોસ્ટોમી બેગ લગાવવામાં મુશ્કેલીઓ અનુભવતા હોય છે, જેથી ખાનગી હોસ્પિટલમાં ડ્રેસિંગ અને બેગ મૂકવા માટેની સારવાર મેળવવાની ફરજ પડે છે. એવા દર્દીઓ માટે ખૂબ સરળતા રહેશે. ઓસ્ટોમીના દર્દીઓ વધશે તો આગામી દિવસોમાં સપ્તાહમાં ઓ.પી.ડી.ના દિવસો વધારવામાં આવશે.



ડો.ગોવેકરે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલમાં સ્ટોમા સર્જરીનો ખર્ચ રૂ.૧.૫૦ લાખ અને ૩ મહિના માટે સર્જરી પછી એક કોલોસ્ટોમી બેગ મૂકવાનો અને તેને બદલવાનો ખર્ચ રૂ.૧૫ હજાર જેટલો થાય છે. સિવિલમાં સ્ટોમા ઓપરેશનો કરવામાં આવે જ છે, પરંતુ સર્જરી બાદ બેગ બદલવા, તેની યોગ્ય સંભાળ રાખવાની જરૂરિયાત હોવાથી નવી સિવિલના સેન્ટરમાં કોલોસ્ટોમી બેગ મૂકવાની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે અને દર્દીઓને આર્થિક ભારણથી મુક્તિ મળશે. આ પ્રસંગે RMO ડો.કેતન નાયક, સર્જરી વિભાગના વડા ડો.નિમેષ વર્મા, નર્સિંગ કાઉન્સીલના શ્રી ઈકબાલ કડીવાલા, તબીબો અને નર્સિંગ સ્ટાફ, કોલોપ્લાસ્ટ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


ઓસ્ટોમી સર્જરી (સ્ટોમા) શું છે?


ઓસ્ટોમી અથવા સ્ટોમા એ શરીરની અંદરના અંગથી પેટ કે શરીરના અન્ય અંગોની બહાર સુધી કરવામાં આવતી એક સર્જિકલ ઓપનિંગ છે. જેના થકી મળ, પેશાબ સામાન્ય કુદરતી માર્ગેથી બહાર ન આવતા સર્જરીના માર્ગેથી બહાર આવે છે. આંતરડા કે બ્લેડરનું કેન્સર, કેન્સર, ગંભીર ટાઈફોઈડ, આંતરડામાં લોહીની હેરફેર ન થવી, આંતરડામાં ઈજા થવી જેવી સમસ્યાઓમાં સ્ટોમા સ્ટૂલ અને યુરિન પાસ થઈ શકે એ માટે શરીરના અન્ય ભાગમાં સર્જરી કરી આંતરડાનો એક નાનો ટુકડો પેટમાંથી બહાર લાવવામાં આવે છે. તે આંતરડાના ટુકડાને સ્ટોમા કહેવામાં આવે છે. કોલોસ્ટોમી, ઈલિયોસ્ટોમી અને યુરોસ્ટોમી એમ ઓસ્ટોમી સર્જરીના ત્રણ પ્રકાર છે. સર્જરી પછી એક કોલોસ્ટોમી બેગ સ્ટોમા ઉપર મુકવામાં આવે છે, તેમાં સ્ટૂલ કે યુરિન એકત્ર કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News