સ્ટીલ અને મેટલ રી-સાઈકલીંગ કરતા ઉદ્યોગકારો બોગસ બીલના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્ક્રેપના વેપારીઓએ સરકારને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)નું ચુકવણું ન કરતા સ્ટીલ રી-સાઇકલર્સ સામે GST વિભાગે કાર્યવાહી શરુ કરી છે જેના પરિણામે અનેક નાના સ્ટીલ રી-સાઇકલર્સ તકલીફ્માં મુકાઈ ગયા છે.
ઓલ ઇન્ડિયા ઇન્ડક્શન ર્ફ્નેસિસ એસોસિએશને (AIIFA) એક કમિટી બનાવી છે જે આ મુદ્દે સરકાર સાથે વાતચીત કરી રહી છે. એસોસિએશનના જણાવ્યા પ્રમાણે દેશભરમાં સ્ટીલ રી-સાઇકલર્સ સામે GSTના રૂ.40,000 કરોડના કેસ ચાલી રહ્યા છે.બોગસ બિલીંગના કારણે સરકારને પણ નુકસાન જઈ રહ્યું છે અને સાથે ઉદ્યોગ પણ હેરાન થઇ રહ્યો છે.
AIIFAના પ્રમુખ યોગેશ મંધાનીએ જણાવ્યું કે, સ્ક્રેપનો વેપાર અસંગઠિત છે જેના કારણે બોગસ બિલીંગના પ્રશ્નો ઉભા થાય છે.રી-સાઇકલર્સ સ્ક્રેપના વેપારીઓ પાસેથી જે માલ ખરીદે છે તેમાં પેમેન્ટ કેશમાં થાય છે. આ ઉપરાંત સ્ક્રેપર્સ જે બીલ આપે છે તેની સાથે જ રી-સાઇકલર્સ GSTની ચુકવણી કરી દે છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં એવા અનેક કિસ્સા થયા છે જેમાં સ્ક્રેપના વેપારીઓ સરકારને ટેક્સ ચુકવતા નથી.GST વિભાગના ધ્યાને જયારે આ વાત આવે છે ત્યારે તે રી-સાઇકલર્સ પાસેથી ટેક્સની ઉઘરાણી કરે છે. આ સંદર્ભે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ સહિત દેશભરમાં રૂ.40,000 કરોડના કેસ ચાલી રહ્યા છે.
એસોસિએશનના જણાવ્યા પ્રમાણે મેટલ સ્ક્રેપનો ધંધો અસંગઠિત છે અને તેમાં મોટાભાગે કેશ પેમેન્ટ થાય છે. GST વિભાગને બોગસ બિલીંગની વાત મોડેથી ધ્યાને આવે છે અને તેની સામે કાર્યવાહી કરવા જાય ત્યારે જે-તે વેપારી ધંધો બંધ કરીને બીજે જતો રહે છે અને બીજી કંપની બનાવીને નવેસરથી ધંધો શરુ કરી લે છે. આ બધાના કારણે GST ડીપાર્ટમેન્ટ સ્ટીલ રી-સાઇકલર્સ સામે કાર્યવાહી કરી અને તેમને વ્યાજ સાથે ટેક્સ ચૂકવવાનું કહે છે.
યોગેશ મંધાનીએ કહ્યું કે, સ્ક્રેપના વિક્રેતાઓ સરકારને ટેક્સ ચુકવતા નથી તેમાં રી-સાઇકલર્સને ભોગવવાનું આવે છે. અમે ટેક્સ ચૂકવી દીધો હોવા છતાં અમારી સાથે અપરાધી જેવું વલણ રાખવામાં આવે છે. આ મુદ્દાના ઉકેલ માટે એસોસિએશને GST કમિટી બનાવી છે અને વડાપ્રધાનને પત્ર લખી આ પ્રશ્નના ઉકેલો સૂચવ્યા છે. જો નિયમોમાં ફેરફર કરવામાં આવે તો અમે GST પોર્ટલ પર સીધો જ ટેક્સ ભરી દેવા તૈયાર છીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500