ઉત્તરપ્રદેશ રાજ્ય મહિલા પંચે મહિલાઓને 'બેડ ટચ'થી બચાવવા અને પુરુષોના ખરાબ ઈરાદા રોકવા માટે એક દરખાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્ત ખૂબ જ ચર્ચાસ્પદ બની છે. ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા પંચના અધ્યક્ષ બબીતા ચૌહાણે રજૂ કરેલી દરખાસ્ત મુજબ પુરુષ દરજી મહિલાઓના કપડાંનું માપ નહીં લઈ શકે અને જીમમાં પુરુષ ટ્રેનર મહિલાઓને તાલિમ આપી શકશે નહીં. વધુમાં પુરુષો મહિલાઓના વાળ પણ કાપી શકશે નહીં. બબિતા ચૌહાણની દરખાસ્તને પંચના અન્ય સભ્યોએ પણ સમર્થન આપ્યું છે. ઉત્તરપ્રદેશ રાજ્ય મહિલા પંચની બેઠક ૨૮ ઓક્ટોબરે યોજાઈ હતી, જેમાં અનેક સૂચનો કરવામાં આવ્યા હતા. યુપી રાજ્ય મહિલા પંચના અધ્યક્ષ બબિતા ચૌહાણે પુરુષોને મહિલાઓના કપડાંનું માપ લેવાની, વાળ કાપવાની તેમજ જીમમાં પુરુષ ટ્રેનરને મહિલાઓને તાલિમની મંજૂરી નહીં આપવી જેવા સૂચનો કર્યા હતા.
બેઠકમાં અન્ય લોકોએ આ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. હાલ આ માત્ર રાજ્ય મહિલા પંચની દરખાસ્ત છે અને મહિલા પંચ પાછળથી રાજ્ય સરકારને આ સંદર્ભમાં કાયદો બનાવવા વિનંતી કરશે. મહિલા પંચના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જિલ્લા તંત્રની રહેશે. યુપી મહિલા પંચનાં સભ્ય હિમાની અગ્રવાલે કહ્યું કે, તાજેતરમાં થયેલી મહિલા પંચની બેઠકમાં એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી કે માત્ર મહિલા દરજી જ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા કપડાંનું માપ લે. સાથે જ દુકાન પર સીસીટીવી ફરજિયાત લગાવે. એ જ રીતે સલૂનમાં પણ મહિલા નાઈ જ મહિલા ગ્રાહકો માટે કામ કરે. અમારું માનવું છે કે આ પ્રકારના વ્યવસાયમાં સામેલ પુરુષોના કારણે મહિલાઓ સાથે છેડતી થાય છે. પુરુષો છેડતી કરવાનો ઈરાદો રાખતા હોય છે.
જોકે બધા જ પુરુષોના ઈરાદા ખરાબ નથી હતો તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.રાજ્ય મહિલા પંચના અધ્યક્ષ બબિતા ચૌહાણે કહ્યું કે જે જીમમાં મહિલા જાય છે તે જિમમાં મહિલા ટ્રેનર હોવી જોઈએ. બધા જ જીમ ટ્રેનરનું પોલીસ વેરિફિકેશન કરવું જોઈએ. જે મહિલા કોઈ પુરુષ પાસેથી ટ્રેનિંગ લેવા માગતી હોય તેણે લેખિતમાં આપવું જોઈએ, કારણ કે મહિલા પંચને સતત જીમ જતી મહિલાઓ અને છોકરીઓના શોષણની ફરિયાદો મળતી રહે છે. તેમણે ઉમેર્યું કે, જે સ્કૂલ બસોમાં છોકરીઓ જતી હોય તેમાં મહિલા કર્મચારી પણ હોવી જોઈએ. હાલ મહિલા પંચે બધા જ જિલ્લાને આ સંબંધમાં આદેશ આપ્યા છે, જે નહીં માને તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે. જોકે સમાજવાદી પાર્ટીના સાંસદ રાગિણિ સોનકરે કહ્યું કે તેઓ કયા જીમ અથવા સ્ટોરમાં જવા માગે છે તેવી બાબતો આપણે વ્યક્તિગત રીતે લોકો પર છોડી દેવી જોઈએ. મને નથી લાગતું કે આ કોઈ ન્યાયિક નિર્ણય છે. આ વ્યક્તિગત પસંદગીની બાબત છે. મહિલાઓના કપડાં અને દરજીની દુકાનમાં મહિલા કર્મચારીની ફરજિયાત હાજરી જેવી બાબતો સારી છે, પરંતુ છેવટે તે વ્યક્તિગત પસંદગીની બાબત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500