રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર નર્મદા જિલ્લામાં નીલકંઠધામ પોઈચા ખાતે આયોજિત શૈક્ષણિક અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી મંત્રીશ્રી તેઓના નિર્ધારિત પ્રવાસ મુજબ બોડેલી ખાતે જવા રવાના થયા હતા. દરમિયાન તિલકવાડા તાલુકાની રેંગણવર્ગ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત કરી બાળકો અને ગામલોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. નર્મદા જિલ્લામાં થોડા દિવસો પહેલાં નર્મદા નદીમાં સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે તિલકવાડા તાલુકાની રેંગણ વર્ગ પ્રાથમિક શાળામાં પૂરના પાણી પ્રવેશી જતા શાળાના મકાનના બે માળના તમામ વર્ગખંડો ડુબાણમાં ગયા હતા. શાળાના મકાનના તમામ વર્ગોમાં જઈને મંત્રીશ્રીએ નિરિક્ષણ કર્યું હતું.
દરમિયાન શાળાના તમામ રેકોર્ડ તથા ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક સામાનની ચકાસણી કરી હતી. આ રેકોર્ડ બની શકે તેટલો જાળવી રાખવા મંત્રીશ્રીએ શિક્ષકો અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચન કર્યું હતું. શાળાના બાળકોના પુસ્તકો અને શૈક્ષણિક સાહિત્ય પૂરના પાણીમાં નાશ પામ્યુ હોવાથી તેની વ્યવસ્થા કરી આપવાની મંત્રીશ્રીએ હૈયાધારણા આપી હતી અને શાળાને ત્વરિત અસરથી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે અને શાળાના મકાનમાં ઝડપી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે તેવું આશ્વાસન શાળાના શિક્ષકોને મંત્રીશ્રીએ આપ્યું હતું. શાળાનું મકાન ડૂબાણમાં જતાં હાલમાં શાળાના બાળકોનું વૈકલ્પિક શૈક્ષણિક કાર્ય ફળિયામાં દાયમા સિરાજમહંમદ બાપુસાહેબના ઘરે ચાલી રહ્યું છે.
જ્યાં મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે બાળકોની રૂબરૂ મુલાકાત લઈને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને શાળાના મકાનમાં ટૂંક સમયમાં બાળકોને લઈ જવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. સાથે બીજા બાળકો માટે બારીયા વાસુદેવ ભીખાભાઈના ઘરે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં પણ મંત્રીશ્રીએ પહોંચીને બાળકોની નોટબુકની ચકાસણી કરતા શૈક્ષણિક કાર્ય સારું હોવાનું જણાતા શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોના શિક્ષણ કાર્યમાં વિક્ષેપ ન પડે તે માટે બાળકોના હિતમાં વૈકલ્પિક વ્યવસ્થા અર્થે પોતાનું ઘર આપ્યું છે તેવા ઘરના વયોવૃદ્ધ માતા ગલુબેન ભીખાભાઈ તેમજ ત્યાં હાજર હંસાબેન વાસુદેવભાઈ બારીયાનું મંત્રીશ્રીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમયે બાળકો અને ઉપસ્થિત ગ્રામજનોને પ્રોત્સાહન આપીને બાળકોને યોગ્ય સાથ સહકાર આપવા શિક્ષણ મંત્રીશ્રીએ ગામ લોકોને અપીલ કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રીની રેંગણ ગામની આ મુલાકાત વેળા નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જયેશભાઈ પટેલ સહિત જિલ્લા શિક્ષણ વિભાગના અન્ય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતા. તેઓએ શાળાના બાળકોની મુલાકાત કરી પૂરતો સહયોગ આપવાની ખાત્રી સાથે શિક્ષકોને સાંત્વના આપી હતી. આ સમયે શાળાના આચાર્ય, શિક્ષકો તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સહિત ઉપસ્થિત સૌએ રેંગણ ગામની શાળા માટે શિક્ષણ મંત્રીશ્રીને યોગ્ય કરવા સાથે જરૂરી મદદ કરવા અંગે રજૂઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500