ગુજરાતના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપી આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવા માટે મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી તા. 31 મેના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો હતો. ત્યારે હવે સરકારે તેમને 31મી જાન્યુઆરી 2023 સુધીનું એક્સટેન્શન આપ્યું છે. આમ તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સમાપ્તિ સુધી ગુજરાત પોલીસના વડા તરીકે કાર્યરત રહેશે.આ સાથે જ સરકારે ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારને પણ 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. કેન્દ્ર સરકારે તેમના 31મી જાન્યુઆરી 2023 સુધીના એક્સટેન્શનને મંજૂરી આપી છે જેના કારણે તેઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તંત્રને મદદરૂપ બનશે તથા નવી સરકારના ગઠન સુધી ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. તેઓ 1986ની બેંચના આઇએસએસ અધિકારી છે.
1985ની બેંચના આઈપીએસ અધિકારી આશિષ ભાટિયાની તા. 31 જુલાઈ 2020ના રોજ રાજ્યના પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવામાં આવ્યું તે કારણે પોલીસ તંત્રમાં તથા તેમના શુભેચ્છકોમાં આનંદ પ્રસર્યો છે. ગત તા. 31મી જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકેના પદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500