નાગલી, જુવાર, બાજરી, કોદરી, ભગર અને સાથે વિવિધ પ્રકારની ભાજી, સરગવો, મશરૂમ, કઠોળનો ઉપયોગ કરી ટ્રેડિશનલ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન, ગુણસદા ખાતે શ્રીઅન્ન (પોષક અનાજ) વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનગઢ તાલુકાના વિવિધ ગામની કુલ ૪૬ આદિવાસી મહિલાઓ અને ૧૫ અધિકારીઓ મળી કુલ ૬૧ ભાઇઓ અને મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
વાનગી સ્પર્ધામાં કુલ ૧૬ આદિવાસી મહિલાઓએ ભાગ લઇ વિવિધ મિલેટનો ઉપયોગ કરી પૌષ્ટિક વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી. જેમાં આદિવાસી મહિલાઓ દ્વારા નાગલી, જુવાર, બાજરી, કોદરી, ભગર અને સાથે વિવિધ પ્રકારની ભાજી, સરગવો, મશરૂમ, કઠોળનો ઉપયોગ કરી ટ્રેડિશનલ ડીશ, લાડુ, સુખડી, શીરો, કાંજી, વડા, મુઠિયા, સ્વીટ ડિશ, રોટલા, કઠોળ, ભાજી-કઠોળનું શાક, મશરૂમનું શાક, દેશી ચટણી વગેરે પૌષ્ટિક વાનગી બનાવવામાં આવી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ સર્વે મહિલાઓને અભિનંદન પાઠવી આહારમાં વધુમાં વધુ મિલેટનો ઉપયોગ કરવા માટે ભાર મુક્યો હતો. મિલેટ વાનગી સ્પર્ધામાં વિજેતા મહિલાઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામ તરીકે નોવેલ ઓર્ગેનિક ન્યુટ્રીઅન્ટ, સ્યુડોમોનાસ, શાકભાજીના ધરૂ આપવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500