ર જી ઓકટોબર મહાત્મા ગાંધી જયંતિ-ર૦ર૧ નિમિત્તે જલ જીવન અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના ૬૧ જેટલા સ્થળોએ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના નંદેલાવ ગામ ખાતે આયોજિત ખાસ ગ્રામ સભામાં પ્રેરક હાજરી આપતા ઇ.ચા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઇ ચૌધરીએ જલ જીવન મિશન 'હર ધર જલ' કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલ યોજના થકી ૧૦૦% ઘર કનેકશન પૂર્ણ કરવામાં આવનાર છે. તેમણે ગ્રામજનોને જળનું મહત્વ સમજી પાણીનો કરકસર ઉપયોગની સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરવા જણાવ્યું હતું તેમજ ગ્રામ પંચાયતોના આગેવાનો ધ્વારા ગામમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ થાય માટે ઝુંબેશ હાથ ધરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દુલેરા દ્વારા કલીન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત પાણી જન્ય તથા મચ્છરજન્ય રોગ અટકાવવા માટે સ્વચ્છતાલક્ષી ,સરકારી કચેરીઓ, આંગણવાડી, શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સફાઇ, ગ્રામીણ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક ઘનકચરાનું એકત્રીકરણ જેવી બાબતોથી ગ્રામજનોને વાકેફ કરાયા હતા. તેમણે કોવિડ-૧૯ રસીકરણ માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત જે લોકોને રસી લેવાની બાકી હોય તેવા લોકોને ગ્રામસભા મારફત રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગ્રામસભામાં જલ જીવન મિશન ની જાણકારી અમલીકરણ માટેની કાર્યવાહી ,હર ઘર જલ કાર્યક્રમ હેઠળ ગામમાં નળ જોડાણની હાલની પરિસ્થિતિ અને બાકી રહેલ કામ માટેની સમયમર્યાદા નકકી કરી હતી, ગામમાં પીવાના પાણીનો સ્ત્રોત, પીવાના પાણીનો વપરાશ અને ડોમેસ્ટિક વોટર સપ્લાય એકટ હેઠળ પાણીનું વાર્ષિક ઓડીટ કરવામાં આવ્યું હતું , સ્કુલ-આંગણવાડીને આપેલ પીવાના પાણી માટે કનેકશનની વિગત,પાણી સમિતિનું સભ્યપદ, ઓડીટ રીપોર્ટ ગ્રામ સભામાં રજુ કરવામાં આવ્યો હતો. ૧પમાં નાણાંપંચમાંથી થતા વિવિધ કામો તેમજ માર્ગદર્શિકાથી માહિતગાર કરવા ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે લોકભાગીદારીથી સ્વચ્છતાને લગત વિવિધ કામગીરીઓ નકકી કરી તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, વાસ્મો ભરૂચના જિલ્લા કો ઓડીનેટર શ્રી કમલેશભાઈ આર .સિંધા દ્રારા જલ જીવન મિશનની જાણકારી તેમજ પાણી બચાવવા બાબતે જલ શપથ લેવડાવવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું રાષ્ટ્રીયકક્ષાનું જન સંવેદના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળયું હતું.
આ ખાસ ગ્રામસભામાં વાસ્મોના નાયબ મેનેજર શ્રી સુરેશભાઈ વસાવા તેમજ નંદેલાવ ગામના સરપંચશ્રી રતિલાલભાઈ ચૌહાણ તલાટીશ્રી નિલેશભાઈ પટેલ ,ગ્રામ પંચાયત અને પાણી સમિતિના સભ્યો, તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500