Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આસિસ્ટન્ટ પ્રોફેસર ધવલકુમાર મકવાણાનો વિશેષ અહેવાલ : શું આપણે ડો.ભીમરાવ આંબેડકર અને તેના વિચારોથી પરિચિત છીએ ખરાં?

  • April 14, 2023 

સામાજિક વૈજ્ઞાનિક,સામાજીક,સામાજીક વૈજ્ઞાનિક,વિચારધારા અને સમાજ વચ્ચે અતૂટ સંબંધ છે. સામાજિક પરિવર્તન આ સંબધની નીપજ છે. આંબેડકરવાદ  સમાજમાં પરિવર્તન લાવ્યા અને તે અદ્વિતીય છે. એકતા, સમાનતા, બંધુતા અને સંઘર્ષની ભાવના આંબેડકરે જગાવી છે. જે તર્ક આધારિત છે. સમાજના દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો, સ્ત્રીઓ, શોષિત વર્ગો અને અન્ય પછાત વર્ગોમાં ચેતના જગાવી એક નવું જીવનદાન આંબેડકારે આપ્યું છે. જે બંધારણીય અધિકારો અને પ્રતિષ્ઠિત નાગરિકનો દરજજાને આધીન છે.


પ્રશ્ન એ છે કે શું આપણે આંબેડકર અને તેના વિચારોથી પરિચિત છીએ ખરાં? શું સમાજમાં આંબેડકર અને તેમના વિચારોનો રાજનૈતિક વોટ બેન્ક માટે ઉપયોગ થાય છે? આ પ્રશ્નો પર યુવાનોએ ચિંતન કરવાની જરૂર છે. ૨૧મી સદી યુવાઓની છે. યુવાનોને આંબેડકરનું જીવન અને તેમના ધર્મ અંગેના વિચારો તથા તેનું મહત્વ જાણવાની જરૂરિયાત છે. ડૉ.ભીમરાવ આંબેડકર આધુનિક ભારતના સૌથી વિશિષ્ટ બૌદ્ધિકોમા અને સર્વાધિક લોકપ્રિય નેતાઓમાંનાએક છે. સમગ્ર જીવનકાળ દરમિયાન તેમણે જ્ઞાતિ,અસ્પૃશ્યતા, અનેઅસમાનતા વિરુદ્ધ લડત આપી. આંબેડકર સ્વયં ભગવાન બુદ્ધ, સંત કબીર, અને જ્યોતિબા ફુલેને ગુરુ માનતા હતા. સમગ્ર વિશ્વ આંબેડકરને યુગપુરુષ, રાષ્ટ્રપુરુષ, મહામાનવ, બોધિસત્વ અને ભારત રત્ન તરીકે ઓળખે છે. આજે પણ તેમનું જીવન ચરિત્ર અને વિચારોનું વાંચન કોઈ પણ વ્યક્તિને હિમંત, પ્રેરણા, અને મજબૂત બનાવી શકવા એટલૂ જ સક્ષમ છે.


આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ ‘મહુ’ ના મહાર કૂટુંબમાં થયો. પરિવારમાં લશ્કરી સેવાની પૃષ્ટભૂમિ અને શિક્ષણ પ્રત્યે અપાર આદર હતો. તેમનેઆંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે ભેટમાં આપી હતી. આ સિવાય, તેમને અન્યાય, અસમાનતા, જ્ઞાતિ આધારિત ભેદભાવો, તિરસ્કાર અને અપમાનો જ મળ્યા હતા. શાળામાં પાણી પીવા માટે ગ્લાસને બદલે પોતાની હથેળી, પાટલીને બદલે જમીન પર બેસવાનું, મહાર જ્ઞાતિના હોવાને લીધે બ્લૅકબોર્ડ પર લખવાનો પ્રતિબંધ, ભણવાના વિષયની પસંદગીમાં પણ ફરજિયાત સંસ્કૃતની બાદબાકી, કૂવામાંથી પાણી ખેંચવા બદલ પત્થરમારો અને વાળંદો અસ્પૃશ્યોને તેમની સેવાઓ આપતા ન હતા, જેથી આંબેડકરની બહેન તેમના વાળ કાપી આપતી. આવા તો કેટ-કેટલાય જ્ઞાતિ આધારિત અન્યાયો તેમણે સહન કર્યા.



આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે પિતા રામજી સકપાલ રોજ સવારે તેમને બે વાગ્યે અભ્યાસ માટે જગાડતા. આ તમામ સંઘર્ષો સાથે તેમણે મેટ્રિક પાસ કરી. તેમના સમાજનાં તેઓ પ્રથમ વ્યક્તિ હતા, કે જેઓએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી.સમાજ સુધારક શ્રી. કેલુસ્કરની સલાહથી તેઓ વડોદરાના મહારાજાના સંપર્કમાં આવ્યા અને૧૯૧૩માં મહારાજાની આર્થિક મદદથી ન્યૂયોર્કની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ગયા.સૌપ્રથમ વાર અમેરિકામાં તેઓએ સમાનતાની તાજગીનો અનુભવ લીધો હતો.જૂન ૧૯૧૫માં તેઓએ ‘પ્રાચીન ભારતીય વાણિજ્ય’ વિષયે શોધનિબંધ લખી એમ.એ. થયા. ૧૯૧૬માં તેમણે ‘ભારતમાં જ્ઞાતિ’ વિષય પર એંથ્રોપોલોજી સેમિનારમાં જ્ઞાતિની કાર્યપ્રણાલી, ઉત્પત્તિ અને વિકાસ પર સંશોધન પત્ર રજૂ કર્યું. ૧૯૧૬માં તેમણે પીએચ.ડી.ની પદવી માટે 'નેશનલ ડિવાઈડ ફોર ઈન્ડિયા: અ હિસ્ટોરિક એન્ડ એનાલિટિકલ સ્ટડી' વિષય પર તેમનો શોધનિબંધ રજૂ કર્યો. જે આઠ વર્ષ પછી 'ધ ઈવોલ્યુશન ઓફ પ્રોવિન્શિયલ ફાયનાન્સ ઈન બ્રિટિશ ઈન્ડિયા' શીર્ષક હેઠળ પ્રકાશિત થયો હતો.



એવું કહેવામાં આવે છે કે આ પુસ્તક એટલું અનિવાર્ય હતું કે બજેટસત્ર દરમિયાન ભારતીય સંસદસભ્યોએ તેનો ઉપયોગ સંદર્ભ પુસ્તક તરીકે કર્યો. કોલ્હાપુરના મહારાજા અને નવલ ભાથે નામના મિત્રની મદદથી તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ગયા હતા.લંડનથી તેઓ અર્થશાસ્ત્રમાં D.Sc. પદવી મેળવી કાયદામાં બેરિસ્ટર થયા. તેમનો થિસિસ 'ધ પ્રોબ્લેમ ઓફ રૂપી' પર હતો. લંડનથી તેઓ જર્મની ગયા અને બત્રીસ વર્ષની ઉંમરે તેઓ પોતાની તમામ સિદ્ધિઓ બાદ ભારત પરત ફર્યા હતા.ભારતમાંઆટલું શિક્ષણ, જ્ઞાન અને કૌશલ્ય મેળવ્યા પછી પણ જ્ઞાતિવાદી વિચારધારાને લીધે તેઓ નિરાશ થયા. બરોડમાં ગાયકવાડી શાસનમાં અકાઉન્ટ જનરલ કાયદામાં નોકરી મળી, પરંતુ અસ્પૃશ્યતાનો દાહક અનુભવોને કારણે નોકરી છોડી મુંબઈ પરત ફર્યા.




ત્યારબાદ વકીલાત, અધ્યાપક, સંપાદક, લેખક, તંત્રી અને નેતા તરીકે વિવિધ ભૂમિકાઓ ભજવી.તેમની આગેવાનીમાં મંદિર પ્રવેશ, વસાહતી જમીન માંગણી, મનુસ્મૃતિનો વિરોધ, પાણી, દલિતો અને ધર્મની અસમાનતા વિરુદ્ધ, ધર્મ પરિવર્તન, વેતન અને શ્રમ, હિન્દુ કોડ બિલ, આદિવાસી, મુસ્લિમો અને શોષિત વર્ગોના અવાજ બની સમાનતાના અધિકારો માટે ચળવળો ચલાવી. આંદોલનો થકી જાતિ આધારિત ભેદભાવો કેમ? તેવો પ્રશ્ન પૂછ્યો અને તેના હલ માટે આજીવન પ્રયત્નશીલ રહ્યા અને સફળ પણ થયા.તેમણે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બુદ્ધ ધર્મ અપનાવ્યો હતો.આજે પણ તેમના ધર્મ અંગેના વિચારો પ્રબળ અને ચિંતનાત્મક છે.



આંબેડકરનું માનવું હતું કે ધર્મ વિજ્ઞાન, નૈતિકતા, કાયદો, રાજ્ય, સમાજ, વ્યક્તિગત અને લોકશાહી સાથે સીધો અને ગાઢ સંબંધ ધરાવે છે.13મી ઑક્ટોબર, ૧૯૩૫ના રોજ યેઓલા પરિષદમાં તેમણે કહ્યું હતું કે “હું હિન્દુ તરીકે જન્મ્યો છું,પરંતુ હું હિન્દુ તરીકે મૃત્યુ પામવાનો નથી”. તેમણે ખ્રિસ્ત્રી, શીખ, અને ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.૬ ડીસેમ્બર ૧૯૫૬ના રોજ આંબેડકરજીની નિધન થયું હતું. જો આજે આંબેડકર હોત તો? પરિસ્થિતિ કેવી હોત? સાંપ્રત સમયમાં આપણે આંબેડકરનાં ફોટા, પૂતળાં અને પ્રતિમાઓ ઊભા કરવાની દિશામાં સફળ રહ્યા, પરંતુ તેમની વિચારધારાનું સંવાહન, અમલીકરણ અને નવી પેઢીમાં તેનું સામાજીકરણ કરવામાં નિષ્ફળ તો નથી  ઉતર્યા ને? શું આપણે સમાજલક્ષી ને બદલે માત્ર વ્યક્તિલક્ષી તર્કવાદી પ્રાણી તો નથી બની બેઠા ને? શું કોઇની રાજકીય કારકિર્દીની વિકાસની પ્રક્રિયામાં આબેડકરવાદને લીધે આપણે માત્ર ટાયર કે પેન્ડલની ભૂમિકામાં તો નથી આવી ગયા ને? યુવાનોએ આ દિશામાં વિચારવું અને ચિંતન કરવું રહ્યું.



ટેક્નોલોજીના યુગમાં છેવાડાનાં ગામડાંમાં રહેલો યુવાન અને સાત સમંદર પાર ગયેલો એન.આર.આઈ પણ આંબેડકરના વિચારો જાણતો થયો. જેનો પ્રમુખ ડિગ્રી સ્ત્રોત ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને વૉટ્સઅપ છે. સાચો આંબેડકરવાદ શિક્ષિત, સંગઠિત અને સંઘર્ષમાં છે. શું ત્રણેય ને એકસાથે ખરાં અર્થમાં લાવ્યા છીએ? આધુનિકતાના દરવાજે ઊભા હોવા છતાં પણ મૂર્તિપૂજા, ધાર્મિક ઉજવાણીઓના નામે પર્યાવરણીય પ્રદૂષણો, ધર્મ, જ્ઞાતિ, લૈગિક અને પ્રદેશ આધારિત ભેદભાવો, આર્થિક વર્ગો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સામાજિક ન્યાય અને સ્ત્રી સશક્તિકરણ જેવા વિષયો પર આંબેડકરના વિચારો પર પુનઃવિચાર કરવો જરૂરી છે. આંબેડકર દલિત, સ્ત્રી અને આદિવાસી સમુદાય માટે ચિંતિત હતા.જે સૌથી વધુ શોષિત અને પછાત વર્ગો છે. જે માટે તેઓ ધર્મ અને જ્ઞાતિ આધારિત બેદભાવો તરફ આંગળી ચીંધે છે. આદિજાતિ વિસ્તારોમાં જોઈએ તો આજે પણ ધાર્મિક સંઘર્ષો જોવા મળે છે. મૂળ ‘આદિવાસી’ ઓળખ સિવાય અન્ય ઓળખો સર્વોપરી બની વિસ્તરણ પામી રહી છે.



આદિવાસી ઓળખ પર ધાર્મિક ઓળખ પ્રભાવી થઈ છે. ધર્મ વ્યક્તિગત બાબત છે પણ સમાજમાં ધર્મને કારણે જ્યારે સંઘર્ષ, અરાજકતા અને અસમાનતા જન્મે ત્યારે યુવાનોએ આંબેડકરના વિચારોનું અધ્યયન, વિચાર-વિમર્શ અને અમલ કરવાની જરૂર છે. એકતા એટલે આદિવાસી! આદિજાતિ વિસ્તારોમાં બિન-આદિવાસીઓને પણ આ એકતામાં સુગ્રંથન કર્યું છે. આદિવાસી ઓળખ એ ધર્મની ઓળખ કરતાં ચડિયાતી છે.આંબેડકરનો ધર્મપ્રત્યેનો અભિગમ નૈતિક, સામાજિક અને બિનસાંપ્રદાયિક છે. ધર્મનો સાચો ઉદ્દેશ વ્યક્તિઓનો આધ્યાત્મિક વિકાસ અર્થે હોવો જોઈએ. આંબેડકરના વિચારો આજે પણ સમાજના ઉત્થાન અને વિકાસ માટે જરૂરી છે. સત સત નમન મહામાનવ ડૉ.ભીમરાવ આંબેડકરજીને તેમની ૧૩૨મી જન્મ જયંતી નિમિતે. જય ભીમ, જય આદિવાસી!   


વિશેષ અહેવાલ :- ધવલકુમાર મકવાણા ,આસિસ્ટન્ટ પ્રોફેસર-સોશિયોલોજી (સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ,ફોર્ટ -સોનગઢ જીલ્લો-તાપી )


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application