આણંદના લાંભવેલ ગામે ફેબુ્રઆરી-૨૦૨૧માં છુટાછેડાની અદાવત રાખીને જમાઈએ સાસુને તલવારના અસંખ્ય ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ તાજેતરમાં આણંદ જિલ્લાના પાંચમાં એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે શખ્સને સાપરાધ માનવવધના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.
ચકલાસીના જાદવપુરા વિરણિયા વિસ્તારમાં રહેતા નીકુંજ શશિકાંત બારોટના રંજનબેન પ્રવિણભાઈ પટેલની દીકરી તન્વી સાથે છુટાછેડા થઈ ગયા હતા. જેની અદાવત રાખીને નીકુંજ ગત તા. ૫ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ લાંભવેલ પંચાયત ભવન સામે કિરીટભાઈ રામભાઈ પટેલના ઘર સામે પહોંચ્યો હતો. છુટાછેડાની રીસ અને અદાવત રાખીને નીકુંજે તન્વીને મારા ઘરે મોકલી આપો તેવી બુમો પાડી દિશાબેનના પતિ પરેશભાઈ પટેલને અપશબ્દો બોલી, ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
તેમજ પોતાના સાસુ રંજનબેનને તલવારના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરી હતી. આ અંગે દિશાબેન પટેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નીકુંજ બારોટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શખ્સ સામે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી તા.૬ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે આણંદ જિલ્લાના પાંચમાં એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં બંને પક્ષોના વકીલની દલીલો, ૧૨ મૌખિક અને ૩૩ દસ્તાવેજી પુરાવા સહિતની બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લાના પાંચમાં એડીશનલ સેશન્સ જજ એસ.કે. વ્યાસ દ્વારા નીકુંજ શશિકાંત બારોટને તકસીરવાન ઠેરવ્યો હતો. આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ રૂ.૫ હજાર દંડ ફટકાર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500