સોનગઢ ખાતે દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્રના માધ્યમથી ગ્રાહક સુરક્ષા, જાગૃતિ અને માર્ગદર્શન અન્વયે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સોનગઢ નગર અને તાલુકાના જાગૃત ગ્રાહકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સેમિનારમાં ઉપસ્થિત ગ્રાહક સુરક્ષા મહિલા જાગૃતિ સંઘના અધ્યક્ષ એડવોકેટ શ્રીમતી એસ.પી.છાપીયા એ ગ્રાહકલક્ષી કાયદાઓની લંબાણપૂર્વક છણાવટ કરી ગ્રાહકોને જાગૃત થવા અપીલ કરી હતી.
તાપી જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રીમતી નૈતિકાબહેન પટેલે પોતાના ઉદબોધનમાં પોતાના અનુભવો વર્ણવી ગ્રાહકો પોતાના હક માટે આગળ આવે તેવી અપીલ કરી હતી તેમજ તેમણે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અન્વયે ગ્રાહક સુરક્ષાના અધિકારો અને કાયદા બાબતે જાણકારી આપી હતી.
ગ્રાહક સુરક્ષા સંસ્થાના પ્રમુખ પ્રતાપભાઈ છાપીયા અને ઉપપ્રમુખ સંજયભાઈ શાહ સોનગઢ દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો અને કામગીરીની જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં ઉપસ્થિત ડીડીઓ ડી.ડી.કાપડીયા અને તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવાએ પણ પોતાના સંબોધનમાં ગ્રાહકોને મળતા વિશિષ્ટ અધિકાર અને હક બાબતે વાતો કરી હતી અને ગ્રાહકો ખાસ કરીને ઓન લાઈન ખરીદી અને અન્ય ખરીદીના સ્થળેથી પાકું બિલ મેળવવાનો આગ્રહ રાખવા જણાવ્યું હતું.
સોનગઢ સહિત તાપી જિલ્લામાં કોઈ પણ ગ્રાહક પોતાની દાદ ફરિયાદ માટે જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારી તાપી અને ગ્રાહક કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500