સોનગઢમાં અવાર નવાર બેંકોના એટીએમ બંદ થતા ગ્રાહકોએ ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સરકાર બેંકોમાં અવાર નવાર બદલાવ કરીને ગ્રાહકોની સુવિધાઓમાં વધારો કરવાની વાતો કરે છે પણ સુવિધાઓ અથવા તો ટેકનીકલ કારણોથી બંધ પડેલી સીસ્ટમને ફરી શરૂ કરવામાં અધિકારીઓને જાણે કોઈ જ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.
સોનગઢ નગરમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા એસબીઆઈ શાખાના એટીએમ રૂમમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ વારંવાર સર્જાઈ રહી છે. પણ બેંક તેમના ગ્રાહકોને સુવિધા વધારવાને બદલે દુવિધા વધારી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સોનગઢનગરમાં આવેલ સ્ટેટ બેન્ક શાખામાં આજરોજ મોડીસાંજે નાણાં ઉપાડવા માટે ગ્રાહકો પહોંચ્યા હતા પણ બેંકનું એટીએમ બંધ હાલતમાં જોવા મળતા ગ્રાહકો વીલા મોં એ પાછા ફરવાનો વારો આવ્યો હતો. અહીં મૂકવામાં આવેલ એટીએમ મશીન માંથી 24 કલાક કોઈપણ સમયે નાણાની લેવડદેવડ આસાનીથી કરી શકાય પણ હવે આવું રહ્યું નથી. કારણ કે , મોટાભાગના સમયે એટીએમ આઉટ ઓફ સર્વિસ થાય છે. તો કોઈક વાર નાણાં ખૂટી પડે છે. જેના કારણે ગ્રાહકો રોષે ભરાયા હતા. પણ તેઓ પૂછે તો કોને પૂછે, અહીં તો કોઈ જવાબ આપવા વાળું હોતું નથી.ગ્રાહકોની સવલત માટે મૂકવામાં આવેલ એટીએમ હવે શોભાના ગાંઠિયા સમાન લાગતું હોય તેવું લાગી રહયુ છે.(ફોટો:કલ્પેશભાઈ વાઘમારે,સોનગઢ-ઉકાઈ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500