શિવભક્તોમાં પ્રાચીનકાળથી જેનું અનેરૂ મહત્વ રહ્યું છે તે દેશમાં 12 જ્યોતિર્લિંગોમાં સૌપ્રથમ અને ચંદ્રદેવની ભક્તિથી પ્રગટેલા સોમનાથ મહાદેવ દાદાને આજે શ્રાવણી પુનમના દિવસે ચંદ્રદર્શનનો અનેરો શ્રૂગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન માટે રાત્રિ સુધીમાં 75000થી વધુ ભાવિકો ઉમટી પડયા હતા તો સૌરાષ્ટ્રભરમાં વરસાદી વિરામના પગલે ધર્મોત્સવનો માહૌલ છવાયો હતો અને લોકો મોટી સંખ્યામાં શ્રધ્ધા સાથે ધર્મસ્થળોએ દર્શનાર્થે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શનની ઝાંખી મેળવવા મધ્યરાત્રિ પછી કતારો લાગવા માંડી હતી અને સવારે 4 વાગ્યે દ્વાર ખુલ્યા હતા.
શ્રાવણના સોમવારે મંદિર 4થી રાત્રે 10 સળંગ 18 કલાક ખુલ્લુ રહે છે. આજે 27 ધ્વજાપૂજા, 63 સોમેશ્વર પૂજા, 932 રૂદ્રીપાઠ સહિત અનેકવિધ પૂજાઓ થઈ હતી. ટ્રસ્ટ દ્વારા નિઃશૂલ્ક ભોજનાલયની સુવિધા પણ કરાઈ છે. જયારે પુનમના દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું ધાર્મિક મહાત્મય હોવાથી હજારો લોકોએ વેરાવળ પાસે ત્રિવેણી સંગમે અને એ રીતે સૌરાષ્ટ્રના અન્ય ત્રિવેણી સંગમ ખાતે પણ સ્નાન કર્યું હતું. હજારો શિવભક્તોએ કાવડ યાત્રા પગપાળા કરીને સોમનાથ મંદિર પહોંચ્યા હતા.
ઉપરાંત ચોટીલા ચામુંડા માતાજી સહિતના સ્થળે પણ પુનમના દિવસે ભાવિકોની ભીડ રહી હતી. બીજી તરફ રાજકોટના આજી નદી કાંઠે સ્વયંભુ પ્રગટ અને આ શહેરના ગ્રામદેવતા રામનાથ મહાદેવની 101મી વરણાગી ધામધૂમથી નીકળી હતી જેમાં ભારે ભીડ જોવા મળી હતી. ઉપરાંત સૌરાષ્ટ્રના જડેશ્વર, ઘેલા સોમનાથ સહિત તમામ શિવમંદિરોએ પણ ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા. વરસાદનું વિઘ્ન નહીં નડતા દર્શનાર્થીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500