પેટ્રોલ અને ડીઝલનાં વેચાણમાં થઇ રહેલા નુકસાનને કારણે ખાનગી કંપનીઓના કેટલાક પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવતા પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપો પર ઘસારો વધતા મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં કેટલાક પેટ્રોલ પંપ ખાલી થઇ ગયા છે. આ દરમિયાન સરકારે જણાવ્યું છે કે, દેશના લોકોમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાને કારણે અચાનક માગમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે પૂરતો જથ્થો છે. જોકે સરકારે વધુમાં જણાવ્યું છે કે, લોકોના ભારે ઘસારાને કારણે પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ અને બીપીસીએલ જેવી સરકારી ઓઉલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નથી. જેના કારણે ઓઇલ કંપનીઓને એક લિટર પેટ્રોલ પર 14 થી 18 રૂપિયા અને એક લિટર ડીઝલ પર 20 થી 25 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. આ નુકસાન ખાનગી ઓઇલ કંપનીઓ સહન કરી શકે તેમ નથી. તેથી તેમણે પોતાના પેટ્રોલ પંપ બંધ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ના કેટલાક પેટ્રોલ પંપ ખાલી થઇ ગયા છે. પેટ્રોલ પંપો પર પેટ્રોલ કરતા ડીઝલનો ઓછો જથ્થો છે કારણ કે ખાનગી પેટ્રોલ પંપો બંધ હોવાના કારણે લોકો પીએસયુ ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપ તરફ વળી રહ્યા હોવાથી અહીં લાંબી લાઇનો જોવા મળી રહી છે.
એચપીસીએલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, મે મહિનામાં રાજસ્થાનમાં અમારી કંપનીના પેટ્રોલ પંપ પર એપ્રિલની સરખામણીમાં પેટ્રોલનું વેચાણ 41 ટકા અને ડીઝલનું વેચાણ 32 ટકા વધ્યું છે. જ્યારે ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ 10.5 ટકા અને ડીઝલનું વેચાણ 30 ટકા ઘટયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500