પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમનાં ટેકા સાથે દેશમાંથી સ્માર્ટફોન્સ નિકાસનો આંક પહેલી જ વખત ઓકટોબરમાં બે અબજ ડોલરને પાર કરી ગયો છે. ઓકટોબરમાં સ્માર્ટફોનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૭૦ ટકા વધારો થયો છે. આ અગાઉના વર્તમાન વર્ષના મે મહિનાના વિક્રમી આંક કરતા ઓકટોબરનો આંક ૨૩ ટકા વધુ છે. સ્માર્ટફોન પીએલઆઈ સ્કીમને કારણે સરકારની તિજોરીને વેરા મારફતની આવકમાં જંગી લાભ થયો છે. ઓકટોબર ૨૦૨૩માં સ્માર્ટફોનનો નિકાસ આંક ૧.૨૦ અબજ ડોલર રહ્યો હતો.
ઘર આંગણે ઉપરાંત વૈશ્વિક બજારમાં ભારતના સ્માર્ટફોન્સની માંગ વધી રહી હોવાનું આના પરથી સમજી શકાય એમ છે એમ ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ સાત મહિનામાં નિકાસ આંક વાર્ષિક ધોરણે ૩૭ ટકા વધી ૧૦.૬૦ અબજ ડોલર રહ્યો હોવાનું પણ જણાવાયું હતું. ગયા નાણાં વર્ષના પ્રથમ સાત મહિનામાં કુલ ૭.૮૦ અબજ ડોલરના મૂલ્યના સ્માર્ટફોન્સની ભારત ખાતેથી નિકાસ થઈ હતી.ગયા સંપૂર્ણ નાણાં વર્ષમાં સ્માર્ટફોન્સનો એકંદર નિકાસ આંક ૧૫ અબજ ડોલર રહ્યો હતો.
વર્તમાન નાણાં વર્ષના અંતે આ આંક ૧૯ અબજ ડોલર આસપાસ પહોંચવાની ધારણાં રાખવામાં આવી રહી છે. સ્માર્ટફોન પીએલઈ સ્કીમ સરકાર માટે મોટી લાભદાઈ પૂરવાર થઈ છે. નાણાં વર્ષ ૨૦૨૧-૨૦૨૪ના ગાળામાં આ ઉદ્યોગે સરકારી તિજોરીને રૂપિયા ૧.૧૦ લાખ કરોડનો લાભ કરી આપ્યો છે અને એકંદરે રૂપિયા ૧૨.૫૫ લાખ કરોડનો માલ ઉત્પાદિત કર્યો છે. આ ચાર વર્ષમાં સરકારે સ્કીમ હેઠળ કુલ રૂપિયા ૫૮૦૦ કરોડ છૂટ કર્યા હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. સ્માર્ટ ફોન્સના પાર્ટસ તથા કમ્પોનેન્ટસ પર ઉદ્યોગે રૂપિયા ૪૮૦૦૦ કરોડની ડયૂટી ચૂકવી છે અને ચાર વર્ષમાં ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) પેટે સરકારને રૂપિયા ૬૨૦૦૦ કરોડ પ્રાપ્ત થયાનું પણ જણાવાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500