વાપી ડાભેલ પોલીસેટ કંપનીમાંથી પ્લાસ્ટિક દાણાની ચોરીના કેસમાં પોલીસે કુલ છ આરોપીને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપી પાસેથી રૂ.૮૫,૦૦૦ની કિંમતના દાણા અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલો ટેમ્પો કબજે કર્યો હતો. ગત તારીખ ૨૩મી જાન્યુઆરીના રોજ ડાભેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતુ કે, તારીખ ૨૦મી જાન્યુઆરીએ સાંજે ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણાની ૨૫ કિલોની ૧૮૦ બેગ (કુલ ૪,૫૦૦ કિલો જથ્થો) પાવર મોલ્ડ કંપનીમાં ડિલિવરી માટે મોકલવામાં આવ્યા હતા.
આ માલમાંથી રૂ.૧ લાખની કિંમતના ૪૦ બેગની ચોરી થઈ હતી. આ ઘટના અંગે ડાભેલ પોલીસે તપાસ હાથ ધરી ૨૩મી જાન્યુઆરીએ પાવર મોલ્ડ કંપનીના સુપરવાઈઝર સોમિલકુમાર ગુપ્તા (મૂળ ઉત્તર પ્રદેશ, જાલોન જિલ્લો) અને ટેમ્પો ડ્રાઈવર મનોજકુમાર સબિતા (મુળ રહે. યુપી આંબેડકર નગર)ની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન મળેલી માહિતીના આધારે ૨૫મી જાન્યુઆરીએ રિસીવર ગૌતમકુમાર ગૌતમ (મુળ રહે.ગૌતમકુમાર) અને રતનસિંહ સોલંકી (રહે.રાસમન, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.૮૫,૦૦૦ની કિંમતના ૩૪ બેગ દાણા અને ચોરીમાં વપરાયેલો ટેમ્પો કબજે કર્યો હતો. ત્યારબાદ ગુનામાં સામેલ અન્ય બે ઈસમો બંટી શર્મા (રહે.પટના) અને સેહજાદ ખાન (જિલ્લો બસ્તી, યુપી)ના નામ બહાર આવતા પોલીસે તેઓની પણ ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500