સિંગાપુરનાં ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે રેકોર્ડ 12મી વખત વિશ્વનાં બેસ્ટ એરપોર્ટ તરીકેનો ખિતાબ હાસિલ થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી આ ખિતાબ દોહાના હમદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને મળતો આવ્યો છે. એક જાણીતી એરપોર્ટ ટ્રાન્સપોર્ટ રિસર્ચ કંપનીએ અનેક માપદંડોના આધારે 2023ના વિજેતાઓના નામ જાહેર કર્યા હતાં. જાપાનની રાજધાની ટોક્યોના હનેડા એરપોર્ટે આ લિસ્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. અમેરિકાના કોઈપણ એરપોર્ટને ટોપ-10માં સ્થાન મળ્યું નથી. સિંગાપુરના ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે વર્ષ 2013થી 2020 વચ્ચે સળંગ 8 વર્ષ સુધી વિશ્વના બેસ્ટ એરપોર્ટનો ખિતાબ જીત્યો હતો.
પરંતુ બે વર્ષથી દોહાના હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ટોક્યોના હનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે નંબર-1 અને 2નું સ્થાન હાસિલ કરીને ચાંગી એરપોર્ટને ત્રીજા સ્થાને ધકેલ્યું હતું. રિસર્ચ સંસ્થાના રિપોર્ટ મુજબ, કંપનીના સર્વેમાં કુલ 100થી વધુ દેશના નાગરિકોએ ભાગ લીધો હતો. આ સર્વેમાં ચાંગી એરપોર્ટને એશિયાના સર્વશ્રેષ્ઠ, ડાઈનિંગ માટે વિશ્વમાં બેસ્ટ અને બીજી ઈતર પ્રવૃતિઓમાં સર્વશ્રેષ્ઠ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિસર્ચ સંસ્થાએ શોપિંગની સુવિધાઓ, ચેક-ઈન, સિક્યોરિટી, ટ્રાન્સફર અને બીજી અનેક સુવિધાઓના આધારે રેટિંગ આપ્યું હતું.
આ વર્ષે જાપાનના બે એરપોર્ટને ટોપ-10માં સ્થાન મળ્યું છે. જાપાનનું નારિતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આ રેકિંગમાં નવમા સ્થાને આવ્યું હતું. 1981માં ખુલ્યા બાદ ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે બેસ્ટ એરપોર્ટના 660થી વધુ એવોર્ડ જીત્યા છે. વિશ્વનાં બેસ્ટ એરપોર્ટ તરીકે અનેકો એવોર્ડ જીતનારા ચાંગી એરપોર્ટમાં હાલમાં તેના ટર્મિનલ-2માં સુવિધામાં વધારો કરીને 2024 સુધીમાં વાર્ષિક 50 લાખ પેસેન્જરોને સેવા આપવાનું ટારગેટ બનાવવામાં આવ્યું છે. ચાંગી એરપોર્ટના ટર્મિનલ-1 થી 10 માળનું શોપિંગ કોમ્પલેક્ષ જોડાયેલું છે. જેમાં, થીમ ગાર્ડન, 2000 વૃક્ષો સાથેની ફોરેસ્ટ વેલી સહિત, વિશ્વનો સૌથી ઉંચો ઈન્ડોર વોટરફોલ આવેલો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500