કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મળી છે. જોકે ચૂંટણી પરિણામનાં ચાર દિવસ બાદ પણ સરકાર બનાવી શકી નથી. આજે સવાર પડતાં જ ફરી એકવાર 'કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, સિદ્ધારમૈયા કર્ણાટકનાં મુખ્યમંત્રી તરીકે નક્કી કરવામાં આવ્યા છે. તે આવતીકાલે મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કરી શકે છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામો તારીખ 13 મેના રોજ આવ્યુ હતું. કોંગ્રેસે ચૂંટણીમાં બહુમત સાથે મોટી જીત મેળવી અને ભાજપને સત્તા પરથી હટાવી દીધી હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો ન હતો. આ સ્થિતિમાં ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે સીએમ પદ માટે દાવો કર્યો હતો.
આ પછી હાઈકમાન્ડે બંને નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. ચાર દિવસના મંથન અને વાટાઘાટોના અનેક રાઉન્ડ બાદ પણ નામ પર કોઈ સહમતિ બની શકી નથી. આ પહેલા ડીકે શિવકુમાર મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ દરમિયાન તેમણે પાર્ટી નેતૃત્વને સિદ્ધારમૈયાની ખામીઓ દર્શાવી હતી. સૂત્રો અનુસાર શિવકુમારે ખડગેને કહ્યું હતું કે, સિદ્ધારમૈયાનો અગાઉનો કાર્યકાળ સારો રહ્યો ન હતો. લિંગાયત સમુદાય પણ તેમની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, જો સિદ્ધારમૈયાને પહેલા જ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા છે તો હવે શા માટે અન્ય કોઈને તક ન મળે. શિવકુમારે ખડગેને કહ્યું હતું કે 2019માં ગઠબંધન તૂટવાનું કારણ પણ સિદ્ધારમૈયા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, મારો મુખ્યમંત્રી બનવાનો સમય આવી ગયો છે અને હાઈકમાન્ડે મને તક આપવી જોઈએ. મે 2019 પછી પાર્ટીને પુનર્જીવિત કરી.
જો પાર્ટી મને મુખ્યમંત્રી પદ આપશે તો હું પ્રદેશ પ્રમુખ તરીકેની જેમ જવાબદારી નિભાવીશ નહીં તો હું માત્ર ધારાસભ્ય રહીશ. સિદ્ધારમૈયા કર્ણાટકમાં કોંગ્રેસના સૌથી મોટા નેતાઓમાંથી એક છે. શરૂઆતથી જ તેઓ મુખ્યમંત્રી પદ માટે ડીકે શિવકુમાર કરતા વધુ મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં 12 ચૂંટણી લડી હતી જેમાંથી તેમણે 9માં જીત મેળવી હતી. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ 1994માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની વહીવટી પકડ ગણવામાં આવે છે. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી. જ્યારે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. તે જેલમાં પણ ગયા છે.
સિદ્ધારમૈયા અને ડીકે બંને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેએ 2008માં સિદ્ધારમૈયાને JDSમાંથી કોંગ્રેસમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિમાં તેઓ ખડગેની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. સિદ્ધારમૈયા 2013થી 2018 સુધી કર્ણાટકના સીએમ હતા. આ દરમિયાન તેણે ટીપુ સુલતાનને કર્ણાટકમાં હીરો તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. આ સ્થિતિમાં મુસ્લિમ સમુદાયમાં તેમનો સારો પ્રભાવ છે. સિદ્ધારમૈયા કુરુબા સમુદાય માંથી આવે છે. તે કર્ણાટકમાં ત્રીજો સૌથી મોટો સમુદાય છે. એટલું જ નહીં સિદ્ધારમૈયાને રાજ્યના સૌથી મોટા ઓબીસી નેતા માનવામાં આવે છે. સિદ્ધારમૈયાને શિવકુમાર કરતા મોટા જન નેતા માનવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500