મહાભારત અનુસાર, શ્રાદ્ધનો પ્રથમ ઉપદેશ મહાન તપસ્વી અત્રિ મુનિ (બ્રહ્માના પુત્ર) દ્વારા રાજા નિમિને (મિથિલા પતિ) આપવામાં આવ્યો હતો. આમ, સૌ પ્રથમ રાજા નિમિએ શ્રાદ્ધની શરૂઆત કરી. પિતરો માટે શ્રદ્ધાથી કરવામાં આવેલ મુક્તિ કર્મને શ્રાદ્ધ કહે છે અને તૃપ કરવાની ક્રિયા દેવતાઓ, ઋષિઓ કે પિતરોને ચોખા કે તલ મિશ્વિત જળ અર્પણ કરવાની ર્કિયા ને તર્પણ કહેવાય છે. જે તર્પણ કરવુ જ પિંડદાન કરવુ છે. શાસ્ત્રો અનુસાર, મનુષ્ય માટે ત્રણ ઋણ છે, પ્રથમ દેવતાઓનું ઋણ છે, બીજું ઋષિનું અને ત્રીજું પિતાનું ઋણ છે.
શ્રાધ, જેને પિતૃ પક્ષ કહેવાય છે, તે સપ્ટેમ્બરમાં 16 દિવસનાં સમયગાળામાં આવે છે જ્યારે હિંદુઓ તેમના પૂર્વજોને પ્રાર્થના અને ભોજન આપીને યાદ કરે છે. એવું માનવામાં આવે છે કે, શ્રાદ્ધ દરમિયાન કરવામાં આવતી કેટલીક ધાર્મિક વિધિઓ પૂર્વજોની આત્માઓને પ્રસન્ન કરે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુની તિથિ પર શ્રાદ્ધ કરવામાં આવે છે, ત્યારે તે દિવસે આપવામાં આવતું ભોજન તે વ્યક્તિના સૂક્ષ્મ શરીરને આખા વર્ષ માટે પોષણ આપે છે.
આથી, જ્યારે સમયાંતરે શ્રાદ્ધ નિયમિત રીતે કરવામાં આવે છે, તેમની અતુપ્ત ઇચ્છાઓ ઓછી થાય છે અને તેઓના આત્માને બીજા પરિમાણમાં જવા ગતી પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે, શાસ્ત્રો દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, જ્યાં સુધી આપણે જીવિત છીએ, આપણા પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક તરીકે, આપણે દર વર્ષે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ. વારાણસીમાં શ્રાદ્ધ વર્ષમાં બે વાર કરવાનું સૂચવે છે. તે સિવાય વારાણસીમાં શ્રાદ્ધ કરવાનો શ્રેષ્ઠ સમય અમાવસ્યા, વ્યતિપાત, સંક્રાતિ વગેરે સમયમાં પણ કરી શકાય. જેને પવિત્ર માનવામાં આવે છે.
દર વર્ષે શ્રાદ્ધ કરવાના બે પ્રસંગો છે, 1) પુણ્ય તિથિ અથવા મૃત્યુની તારીખ અનુસાર અને 2) પિતૃપક્ષ : પૂર્વજોનું પખવાડિયું ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાથી શરૂ થાય છે અને તે જ મહિનાની અમાવસ્યા સુધી ચાલે છે. શુક્લ પક્ષ પિતરોની રાત્રિ છે. મનુસ્મૃતિમાં લખ્યું છે તેમ પિતરોનો એક દિવસ/રાત મનુષ્યના એક મહિના બરાબર છે. એક મહિનાના બે ભાગ અથવા પક્ષ છે. કૃષ્ણ પક્ષને કામકાજનો દિવસ કહેવાય છે અને શુક્લ પક્ષ પિતરોની ઊંઘની રાત્રિ છે.
આ સમયગાળો જે અશુભ માનવામાં આવે છે, લોકો શ્રાદ્ધ, તપ વિધિ કરે છે અને પિંડ દાન આપે છે. પિંડ દાન એ મૃત આત્માઓ માટેના ખોરાક સિવાય બીજું કંઈ નથી, અને તેમાં રાંધેલા ચોખા અને કાળા તલનો સમાવેશ થાય છે. પરંતુ શ્રાદ્ધ અને તર્પણ વિધિ વખતે કાળા તલ શા માટે વપરાય છે? એવું માનવામાં આવે છે કે, કાળા તલમાં વાતાવરણમાં અને શરીરની અંદર રહેલી નકારાત્મક શક્તિઓને શોષવાની શક્તિઓ હોય છે. મૃત વ્યક્તિના નામ અને ગોત્રની મદદથી પિંડ દાનના પ્રસાદને તેના લગતા સંબંધિત જીવ એને સ્વીકારે છે.
પુરાણોમાં તર્પણને છ ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. 1.દેવ તર્પણ, 2.ઋષિ-તર્પણ, 3.દિવ્ય માનવ તર્પણ, 4.દિવ્ય પિતૃ તર્પણ, 4.યમ-તર્મણ, 6. મનુષ્ય-પિતૃ-તર્પણ. ભગવદ ગીતાના અનુસાર દિવંગત આત્માઓની આત્માઓ મુક્તિની રાહમાં હોય છે, કારણ કે તેઓ ભૌતિક શરીરમાં ન હોવાથી તેઓ મુક્તિ માટે જરૂરી પગલાં લઈ શકતા નથી. તેઓ આધ્યાત્મિક સ્થિતિમાં હોવાથી તેઓ તેમના વંશજોને સપના, આઘાતજનક ઘટનાઓ, રોગો વગેરે દ્વારા સંકેતો મોકલે છે. પૂર્વજોની આત્માને મુક્ત કરવા માટે વંશજો દ્વારા સાવચેતીપૂર્વક વિશ્લેષણ કરવું જરૂરી છે. પિતૃપક્ષ/શ્રાદ્ધએ વંશ પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવાનો યોગ્ય સમય છે. સમય રહેતા શ્રધ્ધા રાખી તર્પણ કરી લેવું જરૂરી બને છે. (બીજલ જગડ/મુંબઈ ઘાટકોપર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500