મ્યાનમારમાં સેનાનાં હેલિકોપ્ટરે એક શાળામાં ગોળીબાર કર્યો છે. જેમાં શાળામાં હાજર ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે જેમાં 7 વિધાર્થીઓ પણ સામેલ છે. આ શાળા એક બોદ્ધ મઠમાં સ્થિત હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ફાયરિંગમાં 17થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. કેન્દ્રીય સાર્ગેગ વિસ્તારમાં આવેલી શાળામાં સેનાએ હુમલો કર્યો હતો. સેનાનાં જણાવ્યા અનુસાર સ્કૂલમાં વિદ્રોહી છુપાયેલા હતાં. સેનાનાં હુમલા પછી કેટલાક બાળકો તાત્કાલિક મૃત્યુ પામ્યા હતાં અને કેટલાક સૈનિક ગામમાં પ્રવેશ્યા ત્યારે માર્યા ગયા હતાં. શાળાથી 11 કિમી દૂર આવેલા વિસ્તારમાં મૃતકોને દફનાવવામાં આવ્યા હતાં. સેના તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, પ્રથમ વિદ્રોહીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો.
ત્યારબાદ સેનાએ ગોળીબાર કર્યો હતો. ગાવમાં લગભગ એક કલાક સુધી ગોળીબાર થયો હતો. શાળાનાં એડમિનિસ્ટ્રેટરનાં જણાવ્યા અનુસાર તે બાળકોને સુરક્ષિત સ્થળે છુપાવવાનો પ્રય્તન કરી રહ્યાં હતાં. તે જ સમયે એમઆઇ-35 હેલિકોપ્ટર પહોંચી ગયા હતાં. તેમાંથી બે એ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું.
શાળા પર મશીનગન અને અન્ય ભારે હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષકો અને વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં ગયા ત્યાં સુધી એક શિક્ષક અને સાત વર્ષનું બાળક ગોળીઓના શિકાર બની ગયા હતાં. તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતુ અને પાટો બાંધીને તેમનું વહેતુ લોહી અટકાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, ફાયરિંગ બંધ થયા પછી સેનાએ તમામ લોકોને બહાર આવી જવા જણાવ્યું હતું. ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી. કોઇને પીઠ પર, કોઇને ગરદન પર અને કોઇને પગમાં ગોળી વાગી હતી. મીડિયાના અહેવાલ અનુસાર પીપલ્સ ડિફેન્સ ફોર્સના સભ્યો છુપાયા હોવાની બાતમી મળ્યા પછી સેનાએ શાળાને નિશાન બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યારથી મ્યાનમારમાં સત્તાપલટો થયો છે ત્યારથી સેનાના હુમલામાં સામાન્ય નાગરિકોનાં મોત થાય છે. એક વર્ષમાં 2000 લોકોનાં મોત થયા છે. 12 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500