અમેરિકામાં વર્જીનિયા યુનિવર્સિટીમાં થયેલ ગોળીબારમાં 3 લોકોનાં મોત થયા હતાં, જયારે 2 લોકો ઘાયલ થયા હતાં. વર્જીનિયા પોલીસને સંદેહ છે કે, એક વિદ્યાર્થી દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ, વર્જીનિયા યુનિવર્સિટીમાં રવિવારે મોડી સાંજે સામૂહિક શૂટિંગની ઘટના સામે આવી હતી. પોલીસને આ મામલામાં એક વિદ્યાર્થીની સંડોવણી હોવાના પુરાવા મળી આવતા, તેમણે આરોપીની શોધખોળ શરૂ કરી છે. વર્જીનિયા પોલીસે તેમના ટવિટર એકાઉન્ટ પર તેની ઓળખ સાર્વજનિક કરી છે.
જોકે વર્જીનિયા પોલીસનાં જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીનો વિદ્યાર્થી ક્રિસ્ટોફર ડારનેલ જોન્સ આ મામલાનો મુખ્ય આરોપી છે. તેમણે આ સાથે જ સંદિગ્ધ વિદ્યાર્થીની વિગતો જાહેર કરી હતી. વર્જીનિયા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઈમેલ કરીને સાવચેત રહેવાની સલાહ આપી હતી. તેમણે જરૂર વગર કેમ્પસમાં ફરવા પર મનાઈ ફરમાવી છે.
અમેરિકાની કોલેજો અને હાઈસ્કુલોનાં કેમ્પસમાં છેલ્લા કેટલાક સમયથી સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની રહી છે. પણ, વર્જીનિયા યુનિવર્સિટીમાં આવી ઘટના પ્રથમ વખત બની છે. આવી ઘટનાઓને કારણે અમેરિકામાં ગન-કલ્ચર પર પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના સંવિધાનના બીજા સંશોધનમાં લોકોને હથિયાર રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500