કોલકાતામાં મહિલા ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસ અંગે સમગ્ર દેશ શોકગ્રસ્ત છે. ત્યારે તમિલનાડુના કૃષ્ણાગીરીમાંથી પણ દુષ્કર્મની એક આઘાતજનક ઘટના સામે આવી છે. હકિકતમાં, કૃષ્ણાગીરીમાં એક નકલી નેશનલ કેડેટ કોર્પ (NCC) કેમ્પમાં 13 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને અન્ય 12 સાથે જાતિય શોષણનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે કેંપના આયોજક, શાળાના આચાર્ય, બે શિક્ષકો સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે જણાવ્યું કે, મામલાની તપાસ કરતાં શાળા પાસે એનસીસી એકમ ન હોવાનું સામે આવ્યું છે. કેમ્પના આયોજકોએ શાળા વહિવટીતંત્રને કહ્યું હતું કે આ પ્રકારના કેમ્પની યજમાની કરવાથી તેમની શાળા એનસીસી એકમ માટે પાત્ર થઇ જશે.
જોકે શાળાએ કેમ્પ આયોજકોની પૃષ્ઠભૂમિની તપાસ કરી નહોતી અને કેમ્પ યોજવા માટે તેમને નિયુક્ત કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, આ મહિનાની શરૂઆતમાં આયોજિત ત્રણ દિવસીય કેમ્પમાં 17 વિદ્યાર્થિનીઓ સહિત કુલ 41 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થિનીઓને શાળાના પહેલા માળના સભાગૃહમાં રોકાવવામાં આવ્યા હતા, જ્યારે છોકરાઓને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવ્યા હતા. કેમ્પમાં દેખરેખ માટે કોઇ શિક્ષકને પણ રાખવામાં આવ્યા નહોતા. વિદ્યાર્થિનીઓએ આરોપ કર્યો છે કે, તેમને કોઇ કારણસર ઓડિટોરિયમથી બહાર લઇ જવામાં આવ્યા હતા અને પછી તેમનો જાતિય ઉત્પીડન અને શોષણ કરવામાં આવ્યું હતું. કેમ્પ સમાપ્ત થયા બાદ જ્યારે બધા વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફર્યા ત્યારે દુષ્કર્મ પીડિત વિદ્યાર્થિનીની તબિયત ખરાબ થઇ ગઇ હતી.
જે બાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી તે વખતે તેણે તેના પરિજનોને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ પીડિતાના પરિજનોએ પોલીસમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી હતી. મીડિયા સાથે વાતચીત કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શાળાના અધિકારીઓની આ મામલે સમગ્ર જાણ હતી, પરંતુ પોલીસમાં ફરિયાદ કરવાને બદલે શાળાએ આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને પીડિતાઓને પણ ઘટનાને ગંભીરતાથી ન લેવા નિર્દેષ આપ્યા હતા. આ પ્રકારના નકલી કેમ્પ અન્ય શાળાઓમાં પણ લગાવવામાં આવ્યા હતા એ શક્યતા પર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પીડિતાઓની મેડિકલ તપાસ બાદ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ પોક્સો એકટ હેઠળ કેસ દાખલ કર્યો છે. બીજી બાજુ, જીલ્લા બાળ કલ્યાણ સમિતિએ પણ આ ઘટના વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500