Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શોભના બારૈયાએ ચુંટણી લડવા નોકરીમાંથી રાજીનામું આપી દીધું, હવે ટીકીટ કપાય તેવી સ્થિતિ

  • April 02, 2024 

ભાજપમાં કાળો કકળાટ બંધ જ થઈ રહ્યો નથી. જેને પગલે સ્થાનિક નેતાઓમાંથી કોઈકનું પદ જશે. રાજ્યની અડધો ડઝન બેઠકો પર વિવાદો ચાલી રહ્યાં છે. સાબરકાંઠા અને વડોદરામાં તો ફરી જાહેર થયેલા ઉમેદવારો સામે કકળાટ વધ્યો છે. રૂપાલાને બદલવા માટે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. આમ એક સમયે કોંગ્રેસમાં થતો કકળાટ આ લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં જોવા મળ્યો છે. ભાજપે આયાતી ઉમેદવારોને મહત્વ આપતાં બળતામાં ઘી હોમવા જેવું કામ થયું છે. 2 દાયકામાં 300થી વધારે નેતાઓ અને 60 હજાર કાર્યકરો ભાજપમાં જોડાયા છે. હવે મૂળ જનસંઘીઓેને આ ખટકવા લાગ્યા છે. એમને એમ લાગે છે કે આયાતી ધારાસભ્ય અને સંસદ બની રહ્યાં છે એમનો ઉપયોગ મજૂરિયા તરીકે થઈ રહ્યો છે. ભાજપમાં આ કકળાટ હવે વધી રહ્યો છે. સાંબરકાંઠામાં 2 વાર ભાજપી નેતાઓએ ગોળ ધાણા ખાઈ લીધા છે પણ ઉમેદવારનો કકળાટ દૂર જ થતો નથી.


દિલ્હી હાઈકમાન્ડે ઉમેદવારની પસંદગી કરવામાં આ વખતે કાચું કાપ્યું છે, જેના કારણે ભાજપનો વિરોધ વંટોળ શાંત થતો જ નથી. સાબરકાંઠામાં તો ઉમેદવાર બદલ્યા પછી ય ઉમેદવાર બદલો તેવી માગ ઉઠી છે. જો સાબરકાંઠામાં ઉમેદવાર બદલાય તો ભાજપના ઉમેદવાર શોભના બારૈયાને ટિકિટ અને નોકરી ગુમાવવાનો વારો આવે તેમ છે. શોભના બારૈયાએ તો ઓલરેડી નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે અને શિક્ષણ વિભાગે આ રાજીનામું મંજૂર કરી લીધું છે. ખુદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એમની પર અભિનંદનના ફૂલો વરસાવ્યા છે કે એક શિક્ષિકા સાંસદના ઉમેદવાર જાહેર થયા છે. હવે શોભના બારૈયાની ટિકિટ કપાઈ તો તેમને નોકરી અને ટિકિટ બંને ગુમાવવાનો વારો આવશે.


આ પહેલાં પણ વિવાદ ઠારવા માટે ખુદ ગૃહમંત્રીએ હિંમતનગર દોડી જવું પડયું હતું. આમ છતાં વિવાદ ન ઉકેલાતાં ખુદ મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્ય આગેવાનોને તેડું મોકલીને પાંચ કલાક સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને વન ટુ વન મિટીંગ કરવી પડી હતી. જેમાં હાજર ભાજપી નેતાઓએ ભીખાજી ઠાકોર ચાલશે પણ શોભનાબેન નહીં ચાલેનું સ્પષ્ટ પરખાવ્યું છે. એક આયાતી ઉમેદવારની પત્નીને સ્થાનિક ભાજપ લોકસભાના ઉમેદવાર તરીકે સ્વીકારવા તૈયાર નથી. ભાજપ એ શિસ્ત બદ્ધ પાર્ટી ગણાય છે પણ અહીં પાર્ટીની આબરૂના ધજાગરા ઉડી રહ્યાં છે.


આગામી દિવસોમાં આ કકળાટ વધે તો પણ નવાઈ નહીં. ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીમાં 5 ઉમેદવારોને ટિકિટ આપી છે. એ ભાજપી કાર્યકરોને ખટકી રહી છે. શોભના બારૈયાને પણ બદલવા રાજકીય કવાયત ચાલી રહી છે. સાબરકાંઠા અને અરવલ્લીના ભાજપના નેતાઓએ જ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં એક સૂરે કહ્યું છે કે, પક્ષપલટું કોઈપણ ભોગે નહી ચાલે. એવું હોય તો ભીખુજી ઠાકોરને ટિકિટ આપો નહીતર સાબરકાંઠા બેઠક ભાજપને ગુમાવવી પડશે. આ જોતાં ભાજપ પ્રદેશ નેતાગીરીએ એક રિપોર્ટ દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપ્યો છે. ચર્ચા છેકે, જો શોભના બારૈયાને ઉમેદવાર તરીકે બદલવામાં આવશે તો તેમણે ટિકિટ જ નહીં, નોકરી પણ ગુમાવવાનો વારો આવશે.


આમ ભાજપમાં કાળો કકળાટ છે. આ એક બેઠક નહીં અડધી ડઝન બેઠકો પર છે. રાજકોટમાં તો રૂપાલાને હટાવવા ખુદ અસંતુષ્ટો મેદાને પડ્યા છે.  રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો - “પોથીમાંના રીંગણાં” બનીને રહી ગયી છે. સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ - જાતિવાદનો બૉમ્બ છે જે મેરીટ - ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે. ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની કે પછી આહીર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની! આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી ?? મહત્વનું છે કે અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની માગ ઉગ્ર બની રહી છે.


ત્યારે આ વચ્ચે જ અમરેલી ભાજપના જ નેતા ભરત કાનાબારના ટ્વીટથી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે અમરેલી લોકસભા બેઠક પરથી ભરત સુતરિયાના નામની જાહેરાત કરી છે. ત્યારથી ઉમેદવાર બદલવાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અમુક ગામડાઓમાં ઉમેદવાર બદલોના નામથી પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં આ વિરોધ ઉગ્ર બને તેવી સંભાવના છે. અમરેલી આવેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભાજપના કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરી. જેને ટિકિટ આપી તે ભરત સુતરિયા નબળા ઉમેદવાર હોવાનો કાર્યકરોએ જણાવ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application