Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંતે શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યું,પવારે કહ્યું બધાની લાગણી જોતાં હું હોદ્દા પર ચાલુ રહીશ

  • May 06, 2023 

એનસીપીનો વડા શરદ પવારે પાર્ટી ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું જાહેરાત કર્યા બાદ ગત ત્રણ દિવસથી ટોચના નેતા અને કાર્યકર્તાઓનું હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ શરદ પવારે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. જોકે, પવારે સાફ જાહેર કર્યું હતું કે હવે પોતે ઉત્તરાધિકારી નક્કી કરવાની તથા પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારો કરવાની દિશામાં આગળ વધશે. સવારે પક્ષની કમિટીએ પવારનાં પક્ષપ્રમુખપદેથી રાજીનામાંને ફગાવી દીધું હતું તે પછી પવારે ગત સાંજે એક મીડિયા સંવાદ યોજી રાજીનામું પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી.


પવારે સાંજે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરોની લાગણી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના કેટલાય નેતાઓની અપીલ બાદ પોતે રાજીનામું પાછું ખેચી રહ્યા છે. હું મારા અદના કાર્યકરોની લાગણીઓનો અનાદર કરી શકું નહીં. મારા પ્રત્યે દેખાડવામાં આવેલા સ્નેહથી હું ગદગદ થઈ ગયો છું. સૌની લાગમી સ્વીકારી હું મારું રાજીનામું પાછું ખેંચું છે.


જોકે, તેમણે જણાવ્યુ

હતું કે પ્રમુખપદે હું યથાવત રહીશ છતાં મારો અભિપ્રાય છે કે સંગઠનમાં કોઈપણ હોદ્દા કે જવાબદારી માટે ઉત્તરાધિકારીની વરણીની પદ્ધતિ હોવી જોઈએ. હવે હું પક્ષમાં સંગઠનાત્મક ફેરફારો તથા જવાબદારીઓની વહેંચણી પર ધ્યાન આપીશ તથા નવાં નેતૃત્ત્વ માટે પ્રયાસો કરીશે. સમગ્ર  ઘટનાક્રમ જોતાં એવું મનાઈ રહ્યું છે કે ભત્રીજા અજિત પવારને એનસીપીમાં ભંગાણ સર્જી ભાજપ સાથે જોડાતા અટકાવવા માટે પવારે આ વ્યૂહાત્મક પગલું ભર્યું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં પક્ષ પર તેમનું વર્ચસ્વ હોવાનું ફરી સુનિશ્ચિત થયું છે. હવે પવારે પોતાના ઉત્તરાધિકારી તરીકે ધાર્યા પ્રમાણેની નિયુક્તિ કરાવશે.


આ અગાઉ એનસીપીની ટોચના નેતાઓની કમિટીએ પક્ષના પ્રમુખપદેથી રાજીનામાંની શરદ પવારની દરખાસ્ત ફગાવી દીધી  હતી   અને તેમને હોદ્દા પર યથાવત રહેવા જણાવ્યું  હતું. પવાર ગયા મંગળવારે પક્ષપ્રમુખપદેથી રાજીનામું જાહેર કર્યા બાદ તેમના ઉત્તરાધિકારી નક્કી કરવા માટે પક્ષના ટોચના નેતાઓની કમિટી રચાઈ હતી. જોકે,  આ કમિટીએ કોઈ વૈકલ્પિક નામ અંગે વિચારણા હાથ ધરવાના બદલે પક્ષના કાર્યકરોની લાગણી અનુસાર પવારને જ હોદ્દા પર ચાલુ રહેવા જણાવી દીધું હતું. આ કમિટીમાં શરદ પવારનાં પુત્રી અને સાંસદ સુપ્રિયા સૂળે તથા શરદ પવારના ભત્રીજા અને  રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવાર પણ ઉપસ્થિત હતા. પક્ષના નવા પ્રમુખની હોડમાં તેઓ બંને પ્રતિસ્પર્ધીઓ મનાય છે.


કમિટીના કન્વેનર પ્રફુલ્લ પટેલ યોજાયેલી બેઠક બાદ મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે આજની બેઠકમાં સમિતિએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે શરદ પવારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રહેવું જોઈએ. પ્રમુખ પદ પરથી રાજીનામું આપવાના તેમના નિર્ણયને બધાએ સર્વસંમતિથી નકારી કાઢ્યો છે. અમે બધા ઈચ્છીએ છીએ કે શરદ પવાર પક્ષના અધ્યક્ષ તરીકે ચાલુ રહે. તેમણે આપણા લાખો લોકોની લાગણીનું સન્માન કરવું જોઈએ અન પ્રમુખપદ જાળવી રાખવું જોઈએ.પવારે ગઈ બીજી મેએ પોતાની આત્મકથાના વિમોચન વખતે પક્ષપ્રમુખપદેથી રાજીનામાંની જાહેરાત કરી હતી. જોકે, પક્ષના કાર્યકરોએ તરત જ તેમની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. તે પછી એક કમિટી રચવાનું નક્કી થયું હતું અને આ કમિટીને પક્ષના પ્રમુખ અંગે વિચારણા કરવા જણાવાયું હતું. જોકે, કમિટીએ પવારની દરખાસ્ત નકારી કાઢી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application